વિદેશી સંસ્થાઓ દ્વારા ભારે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં મંદીનું વાવાઝોડું: સેન્સેક્સ અને નિફ્ટી પટકાયા

ભારતીય શેરબજારમાં આજે મંદીની મોકાણ સર્જાય છે. વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાંથી મૂડીરોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું હોવાના કારણે બજારમાં મંદીનું મહામોજું વ્યાપી જવા પામ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા છે. બેંક નિફ્ટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા છે. આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોન ખૂલ્યા હતાં. વેચવાલીનું સતત દબાણ રહેવાના કારણે બજાર દિવસ દરમિયાન મંદીમાં રહ્યું હતું.

આજે સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 61 હજારની સપાટી તોડીને 60,633.32ની સપાટીએ પહોંચી ગયો હતો. જો કે એક તબક્કે સેન્સેક્સ 61,327.21ના લેવલ સુધી પહોંચી ગયો હતો. આજે બજારમાં 694 પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડેમાં 18037.85ના લેવલ સુધી સરકી ગયા બાદ 18243 પોઇન્ટ પર આવી ગઇ હતી. બેંક નિફ્ટીમાં પણ આજે તોતીંગ કડાકા જોવા મળ્યા હતાં. બૂલીયન બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો.

સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યો આજે મજબૂત બન્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 493 પોઇન્ટના ઘટાડા સાથે 60,801 અને નિફ્ટી 148 પોઇન્ટના ઘટાડા સાથે 18084 પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસાની મજબૂતાઇ સાથે 82.80 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મૂડીરોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું છે. વેચવાલીના દબાણના કારણે બજારમાં મંદી પ્રવર્તિં જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.