- અષાઢી બીજે રાજકોટના રાજમાર્ગો પર ગુંજશે
રાજકોટ, ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ વર્ષે આષાઢી બીજ, એટલે કે શુક્રવાર, 27 જૂન ના રોજ, 23મી ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. આ ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઇસ્કોન મંદિર 2003થી દર વર્ષે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીને નગરચર્યાએ કાઢી, શહેરભરમાં રથયાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 27મી જૂને ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે રથયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રા બપોરે 4 કલાકે રામકૃપા ડેરી, કોટેચા ચોક પાસેથી શરૂ થશે જે ઇન્દિરા સર્કલ,પંચાયત ચોક, આકાશવાણી ચોક,જે.કે. ચોક, એ.જી. ચોક (કાલાવડ રોડ), જફુસ ચોક, કટારીયા સર્કલઅંતે, રથયાત્રા ઇસ્કોન મંદિર પહોંચશે.મહાપ્રસાદ અને બુંદી વિતરણ
રથયાત્રા પૂર્ણ થયા બાદ, રાત્રે 8 વાગ્યાથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતા ભક્તોને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે. આ બુંદી પ્રસાદના પેકેટ્સનું રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. જે ભક્તજનો આ બુંદી પેકિંગ સેવામાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓ આજથી (13 જૂન) 23 જૂન સુધી બુંદી પેકિંગની સેવામાં જોડાઈ શકે છે.રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે રથોના સમારકામ અને રંગકામનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે. આ વખતે રથોના સમારકામ અને રંગકામ માટે કેરળથી વિશેષ કારીગરોને બોલાવવામાં આવ્યા છે, જેમણે કાર્ય શરૂ પણ કરી દીધું છે.રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતાને રથયાત્રાના દિવસે ભગવાનના રથ ખેંચવાનો અને સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે.
જગન્નાથ રથયાત્રાની તૈયારી પુરજોશમાં, તા. 27 મીએ ભગવાન જગન્નાથ,બળદેવ અને સુભદ્રાની સાથે નગરચર્ષા એ નીકળશે