સરકારની મજબૂરી કે લાચારી? ઓનલાઇન રમતની આડમાં છેતરપીંડી, જુગાર અને વરલી ફુલ્લી ફાલી

ગેમ્સના નામે ચોખ્ખો જુગાર, લોકોને છેતરવાના ગોરખધંધા : દરરોજ કરોડો રૂપિયાનો વેપલો :સરકારે ઓનલાઇન ગેમ્સ અને ગેમ્બલિંગને અલગ પાડવાની તાતી જરૂરિયાત

અબતક, નવી દિલ્હી :ઓનલાઇન ગેમિંગની આડમાં બેફામ ગેમ્બલિંગ ચાલી રહ્યું છે.સામે સરકાર વિવશ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગેમ્સના નામે ચોખ્ખો જુગાર રમાય છે. જેમાં લોકોને છેતરવાના ગોરખધંધા ચાલે છે. દરરોજ કરોડો રૂપિયાનો વેપલો થાય છે. સરકારે હવે ઓનલાઇન ગેમ્સ અને ગેમ્બલિંગને અલગ પાડવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

ઓનલાઈન ગેમિંગ એ ચિંતાનો વિષય બની ગયો છે. આ ક્ષેત્ર એટલી હદે વિકસિત થઇ ગયું છે કે કોઈ વ્યક્તિને જુગાર રમતા કસીનોમાં પણ જવાની જરૂર રહેતી નથી. તેને ઘરેબેઠા લાઈવ કસીનોની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત તેમાં ટેક્નોલોજીના આધારે છેતરપીંડી આચરવામાં પણ કોઈ કચાશ છોડવામાં આવતી નથી. આ ઉપરાંત એવીએટર સહિતના નત નવીન તુક્કા અજમાવી લોકોને ભરમાવી તેના ખિસ્સા હળવા કરવામાં કંપનીઓ કોઈ કચાશ છોડતી નથી.

ગયા અઠવાડિયે, એક સરકારી પેનલે ભલામણ કરી હતી કે ભારતે કૌશલ્ય અથવા તકના આધારે ઑનલાઇન રમતોને વર્ગીકૃત કરવા માટે એક નિયમનકારી સંસ્થા બનાવવી જોઈએ, પ્રતિબંધિત ફોર્મેટ્સને અવરોધિત કરવાના નિયમો રજૂ કરવા જોઈએ અને જુગારની વેબસાઇટ્સ પર કડક વલણ અપનાવવું જોઈએ.

31 ઓગસ્ટના રોજના તેના 108 પાનાના ગોપનીય ડ્રાફ્ટ રિપોર્ટમાં, પેનલે “પ્રતિબંધિત ગેમિંગ ફોર્મેટ્સ સામે સરકાર માટે સજાની જોગવાઈઓ, અવરોધિત કરવાની સત્તાઓ સાથે” નિયમનકારી સુગમતા પ્રદાન કરવા માટે નવો ઓનલાઈન ગેમિંગ કાયદો ઘડવાની હાકલ કરી હતી.

ભારતમાં 45 કરોડ જેટલા ઓનલાઇન ગેમર્સ

આ વર્ષે ઓનલાઈન ગેમર્સની સંખ્યા 45 કરોડ સુધી પહોંચી છે. બીજી તરફ ગેમિંગ ક્ષેત્ર વિકસિત થયો હોવાથી ભારતીય યુવાનો પોતાની ઓનલાઈન ગેમ્સ બનાવવા માટે તૈયાર છે.  આ માટે યુએસ, જાપાન, સાઉથ કોરિયા અને જર્મનીમાં ભારતીય યુવાનોને ઈન્ટર્નશીપ આપવાની તૈયારી ચાલી રહી છે.  વિશ્વ બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે.

વિકસતા ગેમિંગ ક્ષેત્રમાં ગેમ્બલિંગ એ દાગ બરાબર

વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ની નીતિને પ્રાથમિકતા પર લઈને મોદી સરકાર ‘ક્રિએટ ઈન ઈન્ડિયા’ની તર્જ પર એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિકના ક્ષેત્રમાં પણ આગળ વધી છે. જો કે ગેમિંગ ક્ષેત્રમાં ગેમ્બલીંગ એ કાળા દાગ બરાબર છે. 2021 માં આ ક્ષેત્રમાં 28 ટકાની પ્રગતિથી પ્રોત્સાહિત, માહિતી અને પ્રસારણ મંત્રાલય સતત મોટા કદના આ બજાર પર નજર રાખી રહ્યું છે.ડિજિટલ ઈન્ડિયા એ સરકારનું મિશન છે અને ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને ભારત હવે એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિકના વધતા બજારને કબજે કરવા માગે છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં નિયમો બનાવવામાં આવશે

આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે  કહ્યું કે, ઓનલાઈન ગેમિંગના નિયમો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે.  ડ્રાફ્ટ નિયમોમાં નિર્ધારિત સિદ્ધાંતો હેઠળ, ઑનલાઇન ગેમિંગ કંપનીઓને રમતોના પરિણામ પર દાવ લગાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.  તમામ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ સ્વ-નિયમનકારી સંસ્થામાં નોંધણી કરાવવી પડશે, જે નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી અંગે નિર્ણય લેશે.  તેમણે કહ્યું કે, નિયમનો હેતુ ઓનલાઈન ગેમિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો અને ઈનોવેશનને પ્રોત્સાહિત કરવાનો છે.