કેમીકલકાંડનો રેલો પોલીસને આવ્યો: બે SPની સજારૂપી બદલી

બે ડીવાય.એસ.પી., બે પી.આઇ. અનેબે પીએસઆઇ સસ્પેન્ડ: સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનો ધગધગતો રિપોર્ટ

ધંધૂકા અને બરવાળા પંથકમાં કેમિકલને દારૂ સમજી નશો કરતા 55 જેટલી વ્યક્તિઓએ જીવ ગુમાવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. સમગ્ર ઘટનાના મુળ સુધી પહોચી ઉંડી તપાસ માટે તાકીદે સીટની રચના કરતા સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ પોલીસ તંત્રને જવાબદાર ઠેરવતો ઘગધગતો રિપોર્ટ આપતા ગૃહ વિભાગ દ્વારા બે એસપીની તાકીદની અસરથી બદલી, બે ડીવાય.એસ.પી., બે પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના પીપળેજ જીઆઇડીસીમા એમોજ કોર્પોરેશન કંપનીમાંથી ચોરાયેલા ઝેરી કેમિકલ બુટલેગર સુધી પહોચતા તેને અમુક જ માત્રામાં પાણી મિશ્રીત કરી કડક દારૂ તરીકે શ્રમજીવી બંધાણીઓને પીવડાવી દેતા સર્જાયેલા મોતના તાંડવમાં બે મહિલા સહિત 55ના મોત નીપજતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

સમગ્ર કાંડની મુળ સુધી પહોચી જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવા સરકાર દ્વારા આદેશ કરી તટસ્થ અને ન્યાયિક તપાસ માટે સીટની રચના કરી હતી.સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ, બોટાદના ડીવાય.એસ.પી. એસ.કે.ત્રિવેદી, ધોળકાના ડીવાય.એસ.પી. એન.વી.પટેલ, ધંધૂકાના પી.આઇ. કે.પી.જાડેજા, ધંધૂકાના સીપીઆઇ સુરેશ બી ચૌધરીની સિધ્ધી જવાબદારી હોવાના રજુ કરેલા સ્ફોટક અહેવાલના પગલે ગૃહ વિભાગ દ્વારા એસ.પી. કરણરાજ વાઘેલાને બોટાદથી ગાંધીનગરમાં પોટેકશન ઓફ ગર્વમેન્ટ પ્રોપર્ટી (સરકારી મિલકતનું રક્ષણ) અને અમદાવાદ ગ્રામ્યના એસ.પી.વિરેન્દ્રસિંહ યાદવને મેટ્રો સિક્યુરિટી-1 અમદાવાદ ખાતે બદલી કરી છે.

બોટાદ ડીવાય.એસ.પી. એક.કે.ત્રિવેદી, ધોળકાના ડીવાય.એસ.પી. એન.વી.પટેલ, ધંધૂકાના પીઆઇ કે.પી.જાડેજા અને સીપીઆઇ સુરેશ બી ચૌધરી, બરવાળાના પી.એસ.આઇ. બી.જી.વાળા અને રામપુરના પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ રાણાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બોટાદ પંથખમાં દેશી દારૂનું બેફામ અને બેરોકટોક વેચાણ થતું હોવાનું રોજીદા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર લેખિત રાવ કરી દારૂના હાટડા બંધ કરાવવા માગ કરી હતી તે રીતે બોટાદ પંથકના એક મહિલા એએસઆઇની દારૂ અંગે ઓડીયો ક્લિપ વાયરલ થયાની ઘટનાના થોડા જ દિવસોમાં કેમિકલ કાંડમાં બે મહિલા સહિત 55 જીવ ગુમાવતા પોલીસ તંત્રને રેલો આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.