Abtak Media Google News

ચેન્નઈની ટીમના 173 રનના સ્કોરને ચેઝ કરવામાં ગુજરાત ઉણું ઉતર્યું!!

આઈપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયર ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત સામે ચેન્નાઈએ જીત મેળવીને ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. ચેન્નઈની ટીમના સુકાની મહેન્દ્રસિંઘ ધોની સંભવિત આ સીઝન બાદ નિવૃત્તિ લઇ લેશે ત્યારે હવે ચેન્નઈની ટીમ વધુ એકવાર ખિતાબ જીતી ધોનીને વિદાય આપે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સ સામે 7 વિકેટના નુક્શાને 173 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવતા ચેન્નાઈએ પડકાર જનક સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાતની બેટિંગ ઈનીંગ શરુઆતથી જ લડખડાઈ ગઈ હતી. શુભમન ગિલે લડત આપી પરંતુ તે પણ પોતાની અડધી સદીથી દૂર રહી ગયો હતો. ગુજરાત ટાઈટન્સની બેટિંગ લાઈન સંપૂર્ણ ફ્લોપ રહેતા ફાઈનલમાં સીધી એન્ટ્રી ચુકી ગયુ હતુ.

ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ચેન્નાઈ પોતાના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ કરવા માટે ઉતર્યુ હતુ. અહીં હારનારી ટીમ હવે અમદાવાદમાં ક્વોલિફાયર-2 માં રમવા માટે ઉતરશે. લખનૌ અને મુંબઈ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ ટકરાશે.

ગુજરાત ટાઈટન્સ માટે જાણે આજે દિવસ મુશ્કેલ હતો. બોલિંગમાં પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જ્યારે બેટિંગ ઈનીંગમાં પણ શરુઆત ઠીક રહી નહોતી. ઓપનિંગ જોડી ઝડપથી તૂટી ગઈ તો શુભમન ગિલ અડધી સદીથી દૂર રહી ગયો હતો. પાવર પ્લેમાં જ સાહા અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાતે પ્રથમ વિકેટ 22 રનના સ્કોર પર જ ગુમાવી હતી. રિદ્ધીમાન સાહા 12 રન 11 બોલનો સામનો કરીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા 7 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી પરત ફર્યો હતો. દાશુન શનાકાના રુપમાં ત્રીજી વિકેટ ટીમના 72 રનના સ્કોર પર ગુમાવી હતી. શનાકાએ 16 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. ડેવિડલ મિલર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.

સૌથી વધારે રન શુભમન ગિલે નોંધાવ્યા હતા. ફોર્મ રહેલા યુવા ઓપનર ગિલે 38 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. ગિલે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલે એકલા હાથે લડતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને દીપક ચાહરે પોતાનો શિકાર બનાવ્યો હતો. રાહુલ તેવટિયા 3 રન નોંધાવીને બોલ્ડ થયો હતો. વિજય શંકર અને રાશિદ ખાને મેચમાં રોમાંચ અંતમાં લાવી દીધો હતો. પરંતુ વિજય શંકર 14 રન નોંધાવીને મોટા શોટના ચક્કરમાં કેચ આઉટ થયો હતો. અહીંથી પાસુ ફરી ચેન્નાઈ તરફ પલટાયુ હતુ. રાશિદ ખાને 30 રન 16 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. દર્શન નાલકંડે શૂન્યમાં જ રન આઉટ થઈને પરત ફર્યો હતો.

શું ફરી એકવાર ફાઇનલ મેચમાં ગુજરાત અને ચેન્નઈ ટકરાશે?

પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત અને ચેન્નઈની ટીમ વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ચેન્નઈએ બાજી મારી સીધી ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. જયારે હવે ગુજરાત હજુ એક એલીમીનેટર મેચ રમશે અને તેમાં જો ગુજરાતનો વિજય થાય તો ગુજરાતની ટીમ પણ ફાઇનલમાં પહોંચી જશે. ફાઇનલ મેચમાં કદાચ વધુ એકવાર ગુજરાત અને ચેન્નઈની ટીમ વચ્ચે જંગ જામે તેવા એંધાણ છે. જો એવુ થાય તો ફાઇનલ મેચ અતિ રોમાંચક બની જશે.

આજે મુંબઈ અને લખનઉ વચ્ચે કરો યા મરોનો જંગ !!

આઈપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેપોકમાં મંગળવારે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રનથી ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. આજે એલિમિનેટર રમાનારી છે, પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સામે થનારી છે. મુંબઈ સંઘર્ષ કરીને પ્લેઓફમાં પહોંચ્યુ છે, હવે આજે લખનૌ સામે જીત મેળવીને અમદાવાદ મોદી સ્ટેડિયમ પહોંચવાનો ઈરાદો રાખશે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કોની વચ્ચે રમાશે. જોકે આજે 24 મે થનારી ટક્કરથી ચેન્નાઈ સામે કઈ બે ટીમમાંથી એક ફાઈનલ માટે ઉતરી શકે છે એ નક્કી થઈ જશે. એલિમિનેટરમાં હારનારનારી ટીમ સિઝનથી એટલે કે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.