માનસિક દબાણમાં આવ્યા વિના ચેન્નઈએ ‘સુપર કિંગ્સ’ જેવો વિજય મેળવ્યો!!

ઋતુરાજ ગાયકવાડની ૮૮ રનની અણનમ ઇનિંગે ચેન્નઈને મેચમાં મજબૂત પકડ અપાવી

મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર સાથે જ આઈપીએલ ૨૦૨૧ પુનઃ શરુઆત થઇ હતી. બંને ટીમો વચ્ચેના જંગ સાથે જ આઈપીએલની બાકી રહેલી ૩૧ મેચોના આગળના તબક્કાનો પ્રારંભ થયો છે. દુબઇમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને ચેન્નાઇની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ચેન્નાઇની ટીમે ૬ વિકેટ ગુમાવીને મુંબઇને ૧૫૭ રન પડકાર આપ્યો હતો. જેને પાર પાડવામાં મુંબઇની ટીમ નિષ્ફળ રહી હતી. આમ ધોનીની ટીમે સિઝનમાં છઠ્ઠી જીત મેળવી હતી.

મેચમાં ચેન્નઈએ પ્રથમ દાવ લેતા ફક્ત ૧૧ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ૨૪ રનના સ્કોરે કેપ્ટન કૂલ પણ ચોથા વિકેટના સ્વરૂપમાં પેવેલિયન પરત ફરી ગયો હતો. પરંતુ મેન્ટલ ગેમમાં માનસિક સ્થિતિ ખૂબ મહત્વની હોય છે તે ચેન્નઈની ટીમે સાબિત કરી બતાવ્યું. વિકેટો ગુમાવવા છતાં બેટ્સમેનોએ માનસિક દબાણમાં આવ્યા વિના રમત ચાલુ રાખી અને અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરીને ટીમને એક મજબૂત સ્કોર આપ્યો.

રોહિત શર્મા ફીટ નહી હોવાને લઇને મેદાનમાં ઉતર્યો નહોતો. તેના બદલે કિયરોન પોલાર્ડ ટીમની આગેવાની સંભાળી રહ્યો છે. તેની ખોટ આજે સાલતી હોય એમ લાગી રહ્યુ હતુ. ઓપનીગમાં તેના સ્થાને અણમોલપ્રિત ને ઉતાર્યો હતો. તિવારીને બાદ કરતા મધ્યમક્રમ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ચેન્નાઇને તેના ઓપનર ગાયકવાડની રમતે મુશ્કેલ સ્થિતીમાં જીત લખી આપી હતી. મુંબઇની ટીમે જવાબમાં સૌરભ તિવારીના અર્ધશતક વડે ૧૩૬ રન ૮ વિકેટે કર્યા હતા. આમ ૨૦ રને હાર થઇ હતી.

પ્રથમ દાવ લેતા મુંબઇના બોલરો સામે ચેન્નાઇની સ્થિતી શરુઆતમાં જ મુશ્કેલ બની ચુકી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને બાદ કરતા કોઇ પિચ પર ટકી શકવામાં સફળ રહ્યુ નહોતુ. ગાયકવાડે શાનદાર છગ્ગા અને ચોગ્ગા સાથે અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે ૫૮ બોલમાં ૮૮ રનની અણનમ રમતી રમી હતી. જાડેજા ૩૩ બોલમાં ૨૬ રન કરીને આઉટ થયો હતો.

જેની પાસે ખૂબ અપેક્ષા હતી એ પ્લેસિસ બોલ્ટના બોલ પર ૩ બોલ રમી ને શૂન્ય રન પર આઉટ થયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી પણ ૩ બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. આમ ૧ રનના સ્કોરે પ્રથમ અને ૨ રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ એડમ મિલ્નેના બોલ પર ઇજા થવાને લઇને રિટાયર્ડ હર્ટ થઇ મેદાન થી બહાર થયો હતો. ૩ બોલ જ રમીને શૂન્ય પર બહાર થવા મજબૂર બન્યો હતો.

સુરેશ રૈના પણ ૬ બોલમાં ૪ રન કરીને બોલ્ટનો શિકાર થયો હતો. કેપ્ટન એમએસ ધોની પણ ૫ બોલમાં ૩ રન કરીને મિલ્નેના બોલ પર આઉટ થઇ પરત ફર્યો હતો. એક સમયે ૨૪ રનમાં ૪ વિકેટ ચેન્નઈએ ગુમાવી હતી. આમ ૩ નો આંકડો ચેન્નાઇને આજે અનલકી રહ્યો હતો. ડ્વેન બ્રાવોએ ૩ છગ્ગા સાથે ૭ બોલમાં ૨૩ રન ફટકાર્યા હતા.

ચેન્નાઇની ટીમે આપેલા ૧૫૭ રનના પડકાર સામે મુંબઇની ટીમે પણ પડકાર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તે સંઘર્ષ સફળતા સુધી પહોંચાડી શક્યો નહોતો. ક્વિન્ટન ડીકોકની વિકેટ ત્રીજી ઓવરમાં જ મુંબઇ એ ગુમાવી હતી. ૧૨ બોલમાં તેણે ૧૭ રન કર્યા હતા. અણમોલપ્રિત સિંઘે ૧૪ બોલમાં ૧૬ રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર ૩ જ રન કરી શક્યો હતો. ઇશાન કિશન ૧૦ બોલમાં ૧૧ રન કરીને કેચ ઝડપાયો હતો.

કિયરોન પોલાર્ડ ૧૪ બોલમાં ૧૫ રન કરીને એલબીડબલ્યુ થયો હતો. કૃણાલ પંડ્યા રન આઉટ થયો હતો. તેણે ૪ રન કર્યા હતા. સૌરભ તિવારીએ મુંબઇની ટીમના સ્કોર બોર્ડની જવાબદારી સંભાળી હતી. સૌરભે ૪૦ બોલમાં ૫૦ રનની અણનમ રમત રમી હતી અને અંત સુધી લડત આપી હતી. તેને એડમ મિલ્ને એ સાથ આપ્યો હતો. તેણે ૧૫ બોલનો સામનો કરીને ૧૫ રન કર્યા હતા.

ચેન્નઈ ટીમના બોલરોએ ટીમને સિઝનમાં છઠ્ઠી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિપક ચાહરે મુંબઇના ૨ બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. ડ્વેન બ્રાવો એ પણ ૩ વિકેટ ઝડપી હતી. તેના સિવાય જોશ હેઝલવુડ, શાર્દૂલ ઠાકુર એક એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. મોઇન અલીએ ૩ ઓવરમાં ૧૬ રન આપ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક માત્ર ઓવર કરી હતી. જેમાં તેણે ૧૩ રન લુંટાવ્યા હતા.