ચેતજો..રાજકોટમાં કોરોના ફરી સક્રિય, મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતાં ખળભળાટ

ડીન દ્વારા તત્કાલીન બેઠક બોલવાઈ, શિક્ષણકાર્ય પુન:ઓનલાઇન કરાયું

કોરોનાના કપરાકાળમાથી ઉગરવા ભારત સહિત વિશ્ર્વભરના દેશો પ્રયત્નોમાં જુંટાયા છે. ભારતમાં થોડા દિવસોનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથું ઉંચકતા સતત 17મા દિવસે કોરોનાના કેસમાં તીવ્ર ગતિએ વધારો થયો છે. એમાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ પરિસ્થિતિ અનિયંત્રીત બની છે. જેનાથી ગુજરાતમાં વાયરસનું મોટુ જોખમ ઉભુ થયુ છે. સવારે જામનગરના પૂર્વ રાજ્યમંત્રી અને મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદી સહિત સમગ્ર પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ મચી ગયો હતો તો હવે, રાજકોટમાં પણ કોરોનાએ હંડકંપ મચાવવાનું શરૂ કરી દીધું છે. જી. હા, રાજકોટની મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટમાં એક સાથે 10 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય બીજા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે. આ સાથે આચાર્ય અને શિક્ષકોને પણ કોરોના રિપોર્ટ કરાવવાની ફરજ પડી છે. કોરોનાગ્રસ્ત 10 વિદ્યાર્થીઓના સમાચાર સામે આવતા ડીન દ્વારા તત્કાલીન બેઠક બોલવવામાં આવી હતી. જેમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શિક્ષણકાર્ય પુન:ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ 3 દિવસ પહેલાં રાજકોટનાં એરપોર્ટ રોડ પરની સરસ્વતી હાઇસ્કૂલમાં વિદ્યાર્થિનીના માતા કોરોનાગ્રસ્ત થતા આગામી મંગળવાર સુધી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ 350 વિદ્યાર્થીઓને કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવવા આદેશ અપાયા હતા.


એક તરફ કોરોના અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નેતાઓ સહિત સામાન્ય લોકો દ્વારા નિયમોનો બેફામ રીતે ઉલાળીયો સરકાર સહિત તમામને હવે પહેલાની જેમ પાછી ‘ભાન’ કરાવે તો નવાઈ નહીં. અત્યાર સુધી ચૂંટણી દરમિયાન કોરોના જાણે ભાગી ગયો હોય, તેમ ઠેર ઠેર મેળાવળા, નિયમભંગ કરી પ્રચાર અને ફૂડ પાર્ટી મનાવાઈ હતી. પરંતુ હવે, ચૂંટણી પૂર્ણ થતા જ નિયમભંગની સજા ‘કોરોના’ જરૂરથી આપશે જ તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસ ફરી સક્રિય થતા ગુજરાતમાં સતત સાતમા દિવસે 400થી વધુ કેસ નોંધાયા છે. એમાં પણ સુરત અને અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. જેમાં હવે રાજકોટનો પણ સમાવેશ થાય તો નવાઈ નહીં.