Abtak Media Google News
  • ‘તારીખ પે તારીખ’ ક્લચરને ભૂતકાળ બનાવવા કવાયત
  • દરરોજ 10 મેટ્રિમોનિયલ કેસ અને 10 જામીન અરજીની સુનાવણી કરવાનો નિર્ણય લેતા જસ્ટિસ ચંદ્રચુડ

સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોતાની તમામ બેન્ચોની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, તેમણે તમામ બેંચને કેસોની પેન્ડન્સી ઘટાડવા માટે દરરોજ 10 વૈવાહિક બાબતોની અરજી અને 10 જામીન અરજીઓની સુનાવણી કરવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશોની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

ચીફ  જસ્ટિસએ કહ્યું કે ફુલ કોર્ટ મીટિંગ બાદ અમે નક્કી કર્યું છે કે દરેક બેન્ચ 10 મેટ્રિમોનિયલ ટ્રાન્સફર કેસ અને 10 જામીનના કેસની દરરોજ સુનાવણી કરશે.  શિયાળાના વિરામ પહેલા આવી તમામ બાબતોનું સમાધાન કરવું પડશે. બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે કારણ કે આ વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે.

બેન્ચે નોંધ્યું હતું કે અત્યાર સુધી લગ્ન સંબંધી બાબતોને લગતી 3,000 એવી અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે જેમાં પક્ષકારો કેસને તેમની પસંદગીના સ્થળે ટ્રાન્સફર કરવાની માંગ કરી રહ્યા છે. બેન્ચે કહ્યું કે જો દરેક બેન્ચ દરરોજ 10 ટ્રાન્સફર કેસની સુનાવણી કરે છે, તો 13 બેન્ચ દરરોજ 130 કેસ અને અઠવાડિયામાં 650 કેસનો નિર્ણય લઈ શકાશે. જેના કારણે કામનો બોજ પણ ખતમ થઈ જશે. સીજેઆઈએ કહ્યું કે એકવાર આ 20 જામીન અને ટ્રાન્સફર અરજીઓનો રોજના ધોરણે નિકાલ થઈ જશે, બેંચ નિયમિત મામલાઓની સુનાવણી શરૂ કરશે. જસ્ટિસ ચંદ્રચુડે એમ પણ કહ્યું હતું કે, તેમણે મોડી રાત સુધી કેસની ફાઇલોમાંથી પસાર થવાની ફરજ પાડતા ન્યાયાધીશો પરના બોજને ઘટાડવા માટે પૂરક સૂચિમાં કેસોની છેલ્લી ઘડીની સૂચિની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.