સ્વાગત કાર્યક્રમમાં 10 પ્રશ્નોના નિકાલ કરતા મુખ્યમંત્રી

જિલ્લા-તાલુકા-ગ્રામ્ય અને રાજ્ય સ્વાગત મળીને કુલ 3,497 રજૂઆતોમાંથી 2,354 નો નિવેડો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોની રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટેના રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂ થયેલા 10 જેટલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી આગવી સંવેદના અને મક્કમ નિર્ણાયકતાની જનપ્રતિતિ કરાવી હતી.તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નાના માનવીએ તેની રજૂઆતો માટે રાજ્યકક્ષાએ આવવું જ ન પડે તેવી ત્વરિત અને સકારાત્મક કાર્યપદ્ધતિ જિલ્લા-તાલુકા સ્તરે વધુ સુદ્રઢ કરે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો-સમસ્યાઓનો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નિવારણ કરવા વિકસાવેલી સ્ટેટ-વાઈડ એટેન્શન ઓન ગ્રીવેન્સિસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી (સ્વાગત) કાર્યક્રમ સફળતાપૂર્વક શરૂ કરાવેલો છ.આ સ્વાગત શ્રૃંખલા અન્વયે ગામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય કક્ષાએ જનફરિયાદ નિવારણનો ઉપક્રમ પ્રયોજવામાં આવેછે

મુખ્યમંત્રી દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગતમાં સ્વયં ઉપસ્થિત રહી આવી રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટે માર્ગદર્શન અને સ્થળ ઉપર સૂચનાઓ આપતાં હોય છે. ભૂપેન્દ્ર પટેલે આ ગુરુવારે યોજાયેલા સ્વાગતમાં જૂનાગઢ, સુરત, વડોદરા અને મહેસાણા, ગાંધીનગરના 10 નાગરિકોની વિવિધ રજૂઆતો સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ કર્યું હતું.જુલાઈ-2022ના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય અને રાજ્ય સ્વાગત મળીને કુલ 3,497 રજૂઆતોમાંથી 2,354 નો સુખદ નિવેડો લાવવામાં આવ્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 1 જુલાઈ 2009થી અત્યાર સુધીમાં સમગ્રતયા 5,47,357 રજૂઆતો પૈકીની 5,37,884નું નિવારણ લાવીને 98.27 ટકા રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે.તદ્દઅનુસાર રાજ્ય સ્વાગતમાં 98.98 ટકા, જિલ્લા સ્વાગતમાં 53,601 રજૂઆતોમાંથી 53,378 ના નિવારણ સાથે 98.58 ટકા, તાલુકા સ્વાગતમાં 2.82 લાખ પૈકીની 2.81 લાખ રજૂઆતોનું તેમ જ ગ્રામ્ય સ્વાગતમાં 1.42 લાખમાંથી 1.41 લાખનું સુખદ નિવારણ સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ બાદ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરીને વરસાદની સ્થિતિ તેમ જ રોગચાળા સામે નિયંત્રક પગલાંઓ લેવાની સજ્જતાની વિગતો મેળવી સતર્કતા માટે જરૂરી સૂચનો કર્યાં હતાં.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ અને સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને સચિવો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.