હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમા 4થી 12 ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રા યોજાશે

રાજ્યની 8મહાનગરપાલિકાઓમા તા.4થી 12 ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતિક તિરંગાને  દેશના તમામ ઘરોમાં લહેરાવવાના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરેલા આહ્વાનને રાજ્ય સરકાર ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા સંકલ્પબદ્ધ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી અવસરે રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રી તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે કર્યું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓએ વિવિધ અહીં ઉભા કરાયેલા તિરંગા વિતરણ બુથ પરથી ડિજિટલ પેમેન્ટ કરી તિરંગો ખરીદ કર્યો હતો. પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મુખ્યમંત્રીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધન કરી સુરતવાસીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, સુરતીઓએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવાની જવાબદારી લીધી છે. સુરતના યુવાનો-બાળકોએ પોતાના પોકેટ મનીથી તિરંગો ઝંડો ખરીદીને યાત્રામાં જોડાયા છે, જે સરાહનીય છે. સંઘવીએ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે એમ જણાવતા અન્ય પાસેથી તિરંગો ભેટ લેવાના બદલે સ્વબચતમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે સુરતવાસીઓના દેશભક્તિના જોમજુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. રાજ્યના 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના સંકલ્પને સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ હર ઘર તિરંગાનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગાના ધ્યેય સાથે તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માનccc સાથે લહેરાવવાની સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

રાજકોટમાં 14મીએ તિરંગા રેલી

રાજકોટમાં આગામી 14મીએ તિરંગા રેલી યોજવામાં આવનાર છે. જેમાં એનએસએસ અને એનસીસી, પોલીસ બેન્ડ તેમજ શાળા- કોલેજના છાત્રો જોડાશે. આ સાથે સાયકલ અને બાઇક રેલી પણ યોજવામાં આવશે. વધુમાં અંદાજે 1 કલાકનો સ્ટેજ કાર્યક્રમ પણ યોજાશે. તેમ વિગતો જણાવતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ કહ્યું હતું.