મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢમાં ડો.સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પીટલનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢમાં ડો.સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ હતું.

 

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

 

જૂનાગઢમાં ડો.સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી દર્દીઓની આરોગ્ય સેવાઓ  અર્થે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ પૂર્વ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ હોસ્પિટલમાં સુવિધા તેમજ નિશુલ્ક સારવાર અંગે ઉપલબ્ધ કરાવેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગો નું નિરીક્ષણ કર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ડો. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના નિદાન તથા સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દિઓ માટે 100 બેડની દાખલ થવાની સુવિધા ઉપરાંત અત્યાધુનિક ઓપરેશન થીયેટર તથા સ્ત્રી પ્રસુતિ વિભાગ, સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ દાખલ વિભાગ અને પંચકર્મ વિભાગ પણ છે. ઈમરજન્સી સારવાર તથા એમ્બ્યુલન્સ, લેબોરેટરી અને બાળકો માટે સુવર્ણપ્રાશાનની સુવિધા છે.

આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સાધન સામગ્રીથી સુસજ્જ છે. જેમાં, પંચકર્મના બધા જ કર્મો માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ છે. બધા જ વિભાગમાં નિષ્ણાંત ડોક્ટર (એમ.ડી.) સેવા આપે છે.

આ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણી જોડાયા હતા.