પોરબંદરમાં કિર્તી મંદિરમાં પૂ.બાપુને પુષ્પાંજલી અર્પતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પ્રાર્થના સભામાં સામેલ થયા: સ્વચ્છતા યાત્રાનો કરાવ્યો આરંભ, પાલિકા નવનિર્મીત બિલ્ડીંગ અને ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ

રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિના પાવન અવસરે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પૂ.બાપુના જન્મસ્થળ પોરબંદરમાં કિર્તી મંદિર ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. સ્વચ્છતા યાત્રાનો આરંભ કરાવ્યો હતો. નગરપાલિકાના નવા બિલ્ડીંગ તથા ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કરાવ્યું હતું.

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂ.બાપુના જન્મસ્થળ પોરબંદરના કિર્તી મેદાન ખાતે ગાંધી જયંતિએ સવારે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજવામાં આવે છે.

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સવારે કિર્તી મંદિર ખાતે પૂ.બાપુને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને તેઓ પ્રાર્થનાસભામાં પણ સામેલ થયા હતા. ત્યારબાદ તેઓએ કિર્તી મંદિર ખાતેથી સ્વચ્છતા યાત્રાનો આરંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે પોરબંદર-છાયા નગરપાલિકાના રૂા.6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મીત બિલ્ડીંગ અને રૂા.4.30 કરોડના ખર્ચે બનેલા ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કર્યું હતું.

આ તકે સાંદિપની આશ્રમના ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.