Abtak Media Google News

ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની વિગતો મેળવતા રહ્યાં-પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ્સની રાજ્યમાં પ્રગતિ સહિત વિવિધ મુદ્દે સમીક્ષા બેઠકનો દોર

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પોતાનો 61મો જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે ઉજવ્યો હતો. સાલસ અને સરળ સ્વભાવના  ભૂપેન્દ્ર પટેલે અડાલજના ત્રિ-મંદિરે દેવ દર્શન કરી પોતાનો દિવસનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓ દિવસભર વહિવટી કામકાજમાં વ્યસ્ત રહ્યા હતાં મુખ્યમંત્રી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની વિગતો દિવસ દરમિયાન સતત મેળવતા રહ્યા હતાં. આ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને તંત્રવાહકો સાથે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તેમણે પરામર્શ પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ અમદાવાદના પાલડી ખાતે આવેલા અમદાવાદ મહાનગરપાલીકાના મુખ્ય કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને અમદાવાદ મહાનગરપાલીકાએ કરેલી પોસ્ટ મોન્સુન કામગીરીની વિગતો આ મુલાકાત દરમ્યાન મેળવી હતી.  પ્રધાનમંત્રીના વિવિધ ડ્રીમ પ્રોજેક્ટ્સની રાજ્યમાં પ્રગતિની સમીક્ષા બેઠકનો દોર ગાંધીનગર નિવાસસ્થાને ચાલ્યો  હતો.

મુખ્યમંત્રીએ ઈંઈંઝ છઅખ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટિ, મોઢેરા ડેવલોપમેન્ટ, અંબાજી મંદિર ડેવલોપમેન્ટ જેવા અતિ મહત્વના  અને પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ્સ સમાન પ્રકલ્પોની સમિક્ષા કરી હતી. રાજ્યના મહાનગરોમાં મેટ્રોરેલના નિર્માણની કામગીરીનો ચિતાર પણ તેમણે આ સમીક્ષા બેઠકો દરમિયાન મેળવ્યો હતો.

આગવી કાર્યશૈલી, વહીવટી અનુભવ, ઝીણવટભરી સૂઝબુઝ અને જનહિતલક્ષી નિર્ણયોને પરિણામે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ વ્યક્તિ તરીકેની છબિ જનમાનસમાં ઊભરી આવી છે. આવા મૃદુ અને મક્કમ વ્યક્તિત્વના ધની  ભુપેન્દ્ર પટેલે પોતાના સ્વભાવને અનુરૂપ સંપૂર્ણ સાદગીથી જન્મદિવસ મનાવ્યો હતો અને કોઇ પણ પ્રકારના ઉત્સવ કે કાર્યક્રમોના આયોજન સિવાય પૂર્વનિર્ધારિત બેઠકો પ્રશાસકીય કાર્યવાહીમાં જ તેઓ વ્યસ્ત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.