રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના વિદાય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે હાજર

દ્વારકાથી બપોરે સિધા જ દિલ્હી જવા રવાના થશે: નેશનલ વોર મેમોરિયલની મૂલાકાત લેશે

દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોંવિદ આવતીકાલે નિવૃત્ત થઇ રહ્યા છે. 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ આગામી 25મી જુલાઇના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેશે. દરમિયાન આજે રાજધાની નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનો વિદાય સમારોહ યોજાવાનો છે.

તેમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મૂલાકાતે છે. તેઓએ બપોરે ભગવાન દ્વારકાધીશની પુજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રથમવાર દ્વારકાની મૂલાકાતે આવ્યા હતા. શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમિક્ષા કરી હતી. દરમિયાન આજે સાંજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનો વિદાય સમારંભ યોજાવાનો છે. તેમા ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે.

આ ઉપરાંત નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાતા તેઓ દ્વારા પણ એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પણ ભાજપના તમામ સીએમ અને કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે દ્વારકાથી સિધ્ધા જ દિલ્હી જવા રવાના થશે. સાંજે તેઓ રામનાથ કોંવિદના વિદાય સમારંભમાં હાજરી આપશે અને મોડી રાત્રે ગુજરાતમાં પરત ફરશે.