Abtak Media Google News

અબતક,રાજકોટ

વડાપ્રધાન   નરેન્દ્ર મોદીએ  શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. અંબાજી ખાતે યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખાસ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી હતી. કલ્પવૃક્ષ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ કલ્પવૃક્ષ સાપ્તી   સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કલ્પવૃક્ષ બનાવવામાં આવ્યું છે.

દૈવી ઈચ્છા પૂરી કરતું કલ્પવૃક્ષ એ સમુદ્રમંથનમાંથી મળી આવેલ મહત્વનું ધાર્મિક પ્રતિક છે, જેના પ્રત્યે હિન્દુ, જૈન અને બૌદ્ધ અનુયાયીઓ શ્રદ્ધા અને આદર ધરાવે છે. સનાતન કાળથી સાંસારિક અને આધ્યાત્મિક ઈચ્છાઓની પૂર્તિ દ્વારા કલ્પવૃક્ષે જીવનની સમતુલા જાળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવે છે. આજના કાળમાં પણ કલ્પવૃક્ષ પર્યાવરણની સમસ્યા અને વન્ય સંપત્તિની જાળવણી માટે જાગૃતિ ઉભી કરવા માટે વૈશ્વિક રીતે સુસંગત છે.ગુજરાત શિલ્પકળાના ભવ્ય વારસાની સાથે પથ્થરની કુદરતી ખાણોથી સમૃદ્ધ છે.

રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો માર્બલ તથા ગ્રેનાઈટ તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનો ધ્રાંગધ્રા તાલુકો સેન્ડસ્ટોન માટે પ્રખ્યાત છે. રાજ્યના પથ્થરકળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી શિલ્પકામના આ મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં અંબાજી અને સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા ખાતે સાધનોથી સુસજ્જ શિલ્પ સંકુલ શરૂ કરવાની પરિકલ્પના કરી હતી. પરંપરાગત રીતે પથ્થર કળા કારીગરી સાથે સંકળાયેલા સમુદાયોમાં આજીવિકા વધારવા તેમજ પથ્થર શિલ્પકળાના વ્યવસાયને પ્રોત્સાહન આપી કુશળ કારીગરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ હેઠળ કમિશનર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી દ્વારા વર્ષ 2009 માં સાપ્તીની સ્થાપના કરવામાં આવી હતી. સાપ્તીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા માટે વિવિધ પ્રકારના નવા અભ્યાસક્રમ લાગુ કરવામાં આવેલ છે અને શિલ્પકળા અને ડિઝાઈન ક્ષેત્રના અનુભવી ફેકલ્ટીઝની નિમણૂક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.