મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે રાજકોટમાં

મહાપાલિકા આયોજીત આતશબાજી અને એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે: કાલે ચોપડાપૂજન કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મહાપાલિકા આયોજીત દિવાળી કાર્નિવલ અને આતશબાજી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આ ઉપરાંત એક પારીવારીક કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. રાત્રી રોકાણ રાજકોટ ખાતે કરશે. આવતીકાલે દિવાળીના શુભ દિવસે ચોપડાપુજન કર્યા બાદ બપોરે ૩:૦૦ કલાકે ગાંધીનગર જવા રવાના થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે ૫:૫૦ કલાકે રાજકોટ ખાતે આવી પહોંચશે. મહાપાલિકા દ્વારા ૪ દિવસનાં દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંજે ૭:૦૦ કલાકે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આતશબાજીમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે ત્યારબાદ તેઓ પારીવારીક કાર્યક્રમમાં સામેલ થશે. રાત્રી રોકાણ રાજકોટ ખાતે કરશે. આવતીકાલે દિવાળીનાં પાવન અવસરે દર વર્ષની પરંપરાની માફક મુખ્યમંત્રી ગરેડીયા કુવા રોડ પર આવેલી વર્ષો જુની પેઢી ખાતે ચોપડાપુજન કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે ગાંધીનગર જવા માટે રવાના થશે. આજે સવારે તેઓએ પાલિતાણા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.