પારડીના ધગડમાળ ખાતે રૂ.૧૪૫ કરોડની પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી

વલસાડ જિલ્લાના ૧૧૪ ગામોને મળશે પીવાનું શુદ્ધ પાણી

છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ થયું: રૂપાણી 

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે, રાજ્યમાં પીવાના પાણીનો દુષ્‍કાળ ભૂતકાળ બને તે માટે સરકારે પીવાના પાણીનું પાણીદાર આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યના નાગરિકોને ક્ષારયુક્‍ત પાણી પીવામાંથી મુક્‍તિ મળી છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પ્રતિબધ્‍ધ છે. રાજ્યમાં જળ જીવન મિશન હેઠળ રાજ્યના તમામ ઘરોમાં પીવાનું શુધ્‍ધ પાણી પહોંચાડવા માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્‍યો છે.
મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્‍ય મંત્રીએ રૂા.૩પ.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-ર, આ યોજના સાકાર થતાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ વસતિને પીવાનું પાણી મળશે.
તેમણે રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ-૧, જેનાથી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના ૨પ ગામોના ૨૯૮ ફળિયાઓની અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા. ૪.૮૩ કરોડની ઔરંગા નદી આધારિત કાંજણહરી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્‍ટીવીટી યોજનાથી વલસાડ તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા. પ.૩પ કરોડની પાર નદી આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના પ૭ ફળિયાની ૩૧ હજાર જેટલી વસતિ લાભાન્‍વિત થશે. આ તમામ યોજનાઓના સાકાર થતાં વલસાડ જિલ્લાના પારડી, વલસાડ અને વાપી તાલુકાના ૧૧૪ ગામોની ૩,૮૨,૪૪૭ વસતિને પીવાનું શુદ્ધ પાણી મળશે. વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્‍યા નિવારવા રૂા.૧પ૦૦ કરોડના વિવિધ કામો ચાલી રહયા છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં પીવાના પાણી માટે ટેન્‍કરો ચાલતા હતા અને ભ્રષ્‍ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો હતો. અમારી સરકારે ટેન્‍કરમુક્‍ત ગુજરાત બનાવ્‍યું છે. એટલું જ નહીં સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૧૮ હજાર કરોડની પાક ઉપજની ખરીદી કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના ૧૧૦૦ ગામડાઓને લાભ મળી રહયો છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

વડાપ્રધાનના જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને ચરિતાર્થ કરી કોરોના કાળમાં લોકોના જાનના રક્ષણ સાથે રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ અને રોજિંદુ જીવન ચાલુ રહે તેવી અસરકારક વ્‍યવસ્‍થાઓ કરી હતી. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨.૧૦ લાખ જેટલા લોકો કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. એટલું જ નહીં રાજ્યમાં મૃત્‍યુદર પણ બે ટકાથી નીચો રહયો છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા માસ્‍ક એ જ વેકસીન છે, ત્‍યારે કોરોના વોરિયર્સ અને નાગરિકોના સહકારથી રાજયમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહયા છીએ.
આવનાર દિવસોમાં કોરોના સામે વેકસીન ઉપલબ્‍ધ થનાર છે, ત્‍યારે રાજ્યમાં ડોકટર, પેરા મેડીકલ સ્‍ટાફ અને પ૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને છેવાડાના વિસ્‍તારોમાં અસરકારક રસીકરણ માટેનું નક્કર આયોજન કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્‍યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મુક્‍ત બજારની વકાલત કરી હતી, પરંતુ કેન્‍દ્રની સરકારે કૃષિ સુધાર કાયદાનો અમલ કર્યો છે, ત્‍યારે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. પરંતુ ગુજરાતના શાણા ખેડૂતો તેનાથી ભ્રમિત થવાના નથી.

ગુજરાતમાં આ જ કોંગ્રેસે ખેડૂતોને ગોળીએ દીધા હતા, તેનો ઉલ્લેખ કરતાં મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, કોંગ્રેસના રાજમાં જગતનો તાત સિંચાઇના પાણી, વીજળી, પાકવીમાથી વંચિત હતો. અમારી સરકારે રાજ્યમાં ખેડૂતોને સિંચાઇનું પૂરતું પાણી, વીજળી અને પાકવીમા તેમજ શૂન્‍ય ટકા વ્‍યાજે પાક ધિરાણ ઉપલબ્‍ધ કરાવ્‍યું છે. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, વડાપ્રધાનના હસ્‍તે તાજેતરમાં દુનિયાના સૌથી મોટા રીન્‍યુએબલ એનર્જી પાર્ક અને દરિયાના ખારા પાણીને શુદ્ધ કરતા ડીસેલિનેશન પ્‍લાન્‍ટનું કચ્‍છમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે.