Abtak Media Google News

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અષાઢી બીજ ના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ના રથ નું અને ભગવાનનું પૂજન અર્ચન વહેલી સવારે મંદિર પરિસર માં કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સતત ચોથી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં  ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંડ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી  સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે  આપણે પરંપરાગત રથયાત્રા નગરયાત્રા કાઢી શક્યા  નથી.

Img 20200623 Wa0015

પરંતુ ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્ર ના રથ મંદિર પરિસરમાં ફરીને ભક્તોને દર્શન આપશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું  કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમાધિન રહી ભક્તજનો જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ  જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હાને કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં વ્યવહારુ અભિગમ અપનાવી પરિસરમાં જ રથયાત્રા કાઢી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય સરકાર વતી આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના મહામારીમાં થી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય તે માટે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે. આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન અર્ચન માટે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.