મુખ્યમંત્રી કાલે ૩ કલાક માટે રાજકોટની મુલાકાતે

vijaybhairupani | cm | gujarat
vijaybhairupani | cm | gujarat

કેન્સર હોસ્પિટલનો કાર્યક્રમ અને વટાલીયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે રવિવારે ફરી એક વખત પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય, સરકારી તંત્ર તૈયારીમાં જોતરાઇ ગયુ છે. આવતીકાલે મુખ્યમંત્રી માત્ર ત્રણ કલાક માટે રાજકોટ રોકાણ કરશે અને તેઓ રાજકોટ કેન્સર હોસ્પિટલના કાર્યક્રમ અને વટાલીયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં હાજરી આપી પાટનગર ગાંધીનગર જવા રવાના થઇ જશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે રવિવારે બપોરે ૧.૧૦ કલાકે ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી એરપોર્ટ જવા માટે રવાના થશે. ત્યાંથી ૧.૪૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્ય સરકારના એરક્રાફ્ટમાં રાજકોટ આવવા માટે રવાના થશે. બપોરે ૨.૨૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું આગમન થશે. જ્યાંથી તેઓ સીધા શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલી રાજકોટ કેન્સર હોસ્પિટલના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી બપોરે ૩.૧૦ કલાકે બાય રોડ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી નજીક આવેલા પારીજાત પાર્ટી પ્લોટમાં શ્રી વટાલીયા પ્રજાપતિ સમાજના સંમેલનમાં હાજરી આપશે અને સાંજે ૪.૧૫ કલાકે એરપોર્ટ ખાતે પરત ફરશે અને ત્યાંથી ૪.૩૦ કલાકે ફરી રાજ્ય સરકારના ખાસ એરક્રાફ્ટમાં ગાંધીનગર જવા માટે રવાના થશે.

મુખ્યમંત્રી આવતીકાલ માત્ર ત્રણ કલાક માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય સીએમના રૂટ પર આજથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ સરકારી વિભાગો તૈયારીમાં લાગી ગયા છે.