Abtak Media Google News

પુનર્વસનના અસરકારક પગલાંના અભાવે બાળમજૂરી વધતી જાય છે !

2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં બાળમજૂરીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો

‘ટેણી’, ‘બેટા’, ‘છોટે’ જેવા સંબોધન સાથે જેને હોટલ, રેસ્ટોરન્ટ કે ચાની લારી ઉપર લોકો બોલાવતા હોય છે, ઓર્ડર કરતા હોય છે તેવા બાળ કામદારો હકિકતમાં તેના ઘરના ‘મોભી’ હોય છે. ગરીબી જેના પરિવારોને ‘આંટો’ લઇ ગઇ હોય તેવા પરિવારોના આ બાળકો રમકડાં રમવાની ઉંમરે જીંદગીનો મોટો ખેલ રમવા નિકળી પડે છે ત્યારે તંત્ર સામે સવાલો ઉઠે છે કે બાળ મજૂરોનું પ્રમાણ કેમ ઘટતું નથી?

2011ની વસ્તી ગણતરી મુજબ અને નેશનલ સેમ્પલ સર્વેના રેકોર્ડ કહે છે તે પ્રમાણે 8.13 ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત વર્કફોર્સમાં ચોથા સ્થાને છે. આ પછી ઉત્તર પ્રદેશ, પ.બંગાળ અને રાજસ્થાન આવે છે. હોટલમાં કે રેસ્ટોરન્ટમાં 1.19 ટકા નવ વર્ષથી ઓછી વયના બાળકો કામ કરે છે. જ્યારે 10 થી 14 વર્ષના 1.81 ટકા બાળ મજૂરો હોટલ કે રેસ્ટોરન્ટના આશરે છે.

અલબત્ત 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 4,85,530 બાળમજૂરો નોંધાયા હતા. તેની સરખામણીમાં હાલ 4,63,037 બાળ મજૂરો હોવાનું એક અહેવાલ જણાવે છે એટલે ગુજરાતમાં નોંધપાત્ર ઘટાડો છેલ્લા કેટલાંક સમયથી નોંધાયો છે.

આ બધી આંકડાકીય માહિતી સામે સહાનુભૂતિની દ્રષ્ટિએ જોઇએ તો આજે પણ ચાની લારી, રેસ્ટોરન્ટ કે ટ્રાફિક સિગ્નલ પર નાની-મોટી વસ્તુઓ વેચીને પરિવારને મદદરૂપ થતાં બાળકો જોવા મળે છે તે હકિકત છે.

બાળ મજૂરી ઘટાડવા પુનર્વસનની જે વ્યવસ્થા હોવી જોઇએ તે અસરકારક રહેતી નથી એટલું જ નહી તંત્ર દ્વારા જ્યારે પગલાં લેવાય એ પછી દંડ સુધી કાર્યવાહી થાય છે. અદાલતમાં માલિકો સામેના કેસમાં સજાનું પ્રમાણ ઓછુ સામે આવે છે એટલે એમ કહી શકાય કે અસરકારક અવરોધક નથી.

મોટાભાગે 14મી નવેમ્બરે ‘બાળદિન’ આવે ત્યારે બાળકોની આ દયનિયતાનું સ્મરણ કરી બાળ મજૂરી અટકાવવા કે જાગૃત્તિ લાવવા અભિયાન ચલાવાય છે પરંતુ એ પછી કોઇ પ્રયાસ થતાં નથી એ પણ એટલી જ સાચી વાત હોવાનું તારણ નિકળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.