Abtak Media Google News

આવી રહી છે….રંગરસિયાઓ માટે હૈયાહોળી, આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી વાત છે

કાશ…હોળીના રંગ અને રાજકારણને કૈક લેવા-દેવા હોત તો રંગે-ચંગે રંગોથી રમવા મળત

હોળી તાપો તો આખું વર્ષ સ્વસ્થ રહેવાય અને કેસુડાના રંગે રમો તો ત્વચા સ્વસ્થ રહે છે

કોરોનાના કહેરને કારણે આપણા સૌ પર અનેક બંધનો લદાયા છે, જીવનશૈલીમાં ઘણું પરિવર્તન લાવવું પડ્યું છે. અનેક પ્રકારના નુકસાન સહન કરવા પડ્યા છે એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ કારણકે ઓછા વત્તા અંશે આપણે સૌએ આ પ્રકારના અનુભવમાંથી પસાર થયા છીએ અને હજુ પણ થઇ રહ્યા છીએ. કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવી એ અત્યંત જરૂરી છે એમાં કોઈ બેમત ન હોઈ શકે પરંતુ આ સાવચેતીની વ્યાખ્યા જો તંત્ર પોતાના મતલબ મુજબ કરતુ હોય તો તે આપણા ગળે ઉતરે તેમ નથી. હકીકત એ છે ટાબરિયાઓથી લઈને ટીન એજર્સ માટે તો આ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ઉભી થઇ છે. એ બચારા પૂછે છે કે અમારો શું વાંક? કાશ…હોળીના રંગ સાથે રાજકારણને કઈક લેવા-દેવા હોત તો અમને પણ રંગે-ચંગે રંગોથી રમવા મળત. વસંતના આગમન વખતે બે ઋતુઓના સંધીકાળને કારણે લોકો બીમાર પડતા હોય છે. લોકો એમ પણ ચર્ચા કરી રહ્યા છે કે હોળી તાપવાનું આપણે ત્યાં અતિ મહત્વ એટલા માટે છે કે હોળીનો અગ્નિ, તેનો તાપ વાતાવરણમાં રહેલા બીમારી ફેલાવતા જીવાણુઓનો નાશ કરે છે. જન્મ પછીની પહેલી હોળીનો તાપ બાળકને ખાસ આપવા પ્રદક્ષિણા કરાવાય છે. હોળીની સાત પ્રદક્ષિણા કરવાથી, એને તાપવાથી આખું વર્ષ વ્યક્તિ સ્વસ્થ રહે એવી માન્યતા છે જયારે કેસુડાના રંગે રમવાથી આખું વર્ષ ત્વચા સ્વસ્થ રહે છે તેમજ ઉનાળાના તાપથી ત્વચાને રક્ષણ મળે છે.

જો ચુંટણી એ દેશની લોકશાહી માટેનો સૌથી મહત્વનો અને પવિત્ર તહેવાર હોય અને કોરોનાકાળ દરમિયાન એની ઉજવણી રંગે-ચંગે થવી જરૂરી હોય તો પછી આ દેશ જેના થી બનેલો છે એ દેશના નાગરીકો, દેશવાસીઓ માટેના મહત્વના અને પવિત્ર તહેવારોની ઉજવણી કરવાના હક્ક ઉપરજ કેમ તરાપ મારવામાં આવે છે એ સમજાતું નથી. કારણકે ફરી એક વાર આવી રહેલો હોળી-ધૂળેટીનો તહેવાર કોરોનાની ગાઈડ લાઈન્સનો ભોગ બનવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે બહાર પાડેલા આદેશ મુજબ પ્રવર્તમાન કોવિદ 19 ની સ્થિતિને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે માર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિક વિધિ કરી શકાશે. પરંતુ હોળી-દહન દરમિયાન ભીડ એકથી ન થાય તથા કોરોનાની પ્રવર્તમાન ગાઈડ લાઈન્સનું ચુસ્તપણે પાલન થાય એની પુરેપુરી તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવશે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમને મંજુરી મળશે નહિ. મતલબ કે ચુંટણીસભા, રેલી, સરઘસ વગેરેમાં એકથી થતી ભીડ સામે સરકારને કોઈ વાંધો નથી, કારણકે એ રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે જરૂરી છે. હવે એ હેતુ સિદ્ધ થઇ ગયો છે એથી ગરજ મટી એટલે વૈદ વેરી બની જાય એમાં શું નવાઈ છે. પરંતુ આ સ્વાર્થી રાજકીય માનસિકતાના કારણે નાના બાળકોનો આનંદ છીનવાઈ જતો દેખાય છે.

કોરોનાના પાપે ક્યાં સુધી સહન કરવાનું?

ગયા વર્ષે આવેલા કોરોના વાઇરસે હજુ જવાનું નામ લીધું નથી, એ અલગ-અલગ સ્ટ્રેઈન સાથે એટલેકે બહુરૂપી બનીને કહેર વરસાવતો જાય છે. કોરોનાની રસી આ 130 કારોની વસતી સુધી કેટલા વર્ષમાં પહોચશે એનો કોઈને અંદાજ નથી, કોરોના સાથે જીવન જીવતા શીખીવું પડશે એમ મેડીકલ નિષ્ણાતોનું પણ કહેવું છે. ત્યારે સવાલ એ થાય છે કે હજુ કેટલા વર્ષો સુધી આપણે કોરોનાના પાપે સહન કરતા જવાનું છે? શું ચુંટણી સિવાય બીજા કોઈ તહેવારો જ નથી? હોળી, ધૂળેટી, સાતમ-આઠમના મેલા, દિવાળી, ઉતરાણ જેવા અનેક તહેવારો ઉજવવાનો આનંદ શું આપણે ભૂલી જવો પડશે એમ છે?

જો બાળકોમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ નહીવત હોય તો કમસેકમ એમનો આનંદ તો ન છીનવો

કોરોનાના રસીકરણની શરૂઆત સીનીયર સીટીઝનથી કરાઈ છે. ત્યારબાદ 50 વર્ષ થી ઉપરના અને હવે 45 વર્ષ થી ઉપરનાઓને રસી મુકવામાં આવી રહી છે. મતલબ કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને તરુણાવસ્થા ધરાવનારાઓને ઉતરતા ક્રમમાં રસી મુકવામાં આવશે. કોરોના સંક્રમિત થનારાઓમાં પણ આગળ જણાવેલ એઈજ ગ્રુપના દર્દીઓની સંખ્યા નહીવત છે. આ સ્થિતિમાં કમસેકમ બાળકોથી લઈને તરુણાવસ્થા ધરાવનારાઓને તો હોળીના રંગે રમવાનો આનંદ મળવો જોઈએ. સરકારે જાહેર ઉજવણી પર રોક લગાવી છે તો શું આપણી ગલી, શેરી કે મહોલ્લો સરકારની જાહેર સ્થળોની વ્યાખ્યામાં આવે છે કે કેમ એ અંગે ચોખવટ નથી. જેને લઈને લોકોમાં ભારે કચવાટ જોવા મળે છે. મુખ્ય માર્ગો, જાહેર મેદાનોમાં છૂટ ન હોય એ સમજાય એવું છે પરંતુ શેરી-મહોલ્લામાં પણ જો રંગે રમવા ન મળે તો આ ક્યાંનો ન્યાય એવું પૂછવાનું મન લોકોને ચીસો પાડી-પાડીને થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.