Abtak Media Google News

વિશ્ર્વના શ્રેષ્ઠ શિક્ષકો પૈકી દાદા-દાદી છે: સંયુક્ત પરિવારમાં ચાર-પાંચ ભાઇના સંતાનો ક્યારે મોટા થઇ જતા તે ખબર ન પડતી: દાદા-દાદી બાળકોમાં જે સિંચન કરે છે તે વિશ્ર્વમાં કોઇ કરી ન શકે

દાદા એક એવી વ્યક્તિ છે, જેના વાળમાં ચાંદી છે અને તેના હૃદ્યમાં સોનું છે: તેની આંખોમાં પ્રેમ-હૂંફ-લાગણી-કરૂણા સાથેનો શુધ્ધ પ્રેમ દેખાય છે: વિભક્ત પરિવારો થવાથી ઘણા ઘરોમાં દાદા-દાદીની ગેરહાજરી જોવા મળે છે, જે એક આજની સમાજ વ્યવસ્થાની સૌથી મોટી કરૂણતા છે: દરેકના જીવનમાં ર્માં પછીનો શબ્દ ‘દાદી’ જ હોય છે

આપણી ભારતીય સંસ્કૃતિની ચાલી આવતી કુટુંબ વ્યવસ્થામાં પરિવારનાં તમામ પાત્રોનો દરેક વ્યક્તિના જીવન વિકાસમાં મહત્વનો ફાળો છે. આજે વિભક્ત કુટુંબ પ્રથાને કારણે બાળકો આ મહામૂલો પ્રેમથી વંચિત રહેતા જીદી, ગુસ્સા વાળા અને ગમે તેની સામે બોલે જેવી વિવિધ સમસ્યા વાળા જોવા મળે છે. પૃથ્વી પર સૌથી નશીબદાર વ્યક્તિ એ છે, જેને દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ મળ્યો છે. પહેલાના જમાનામાં ચાર-પાંચ ભાઇ-બેન હોવાથી વિશાળ પરિવાર એક છત નીચે રહીને આનંદથી જીવન જીવતાં હતા. ધીમે-ધીમે વિકાસના પગલે અને વિદેશી કલ્ચરનાં આંધણા અનુકરણને કારણે ભવ્ય કુટુંબો છૂટા પડતા મોતીની તૂટેલ માળાની જેમ વિખેરાય ગયા. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જેને દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ મળ્યો હતો એવા બાળકો સંસ્કારી અને સમજદાર વધુ જોવા મળ્યા હતા.

પરિવારનો મોભી એટલે આપણાં દાદા, તે પણ એક સમયે એક પિતા જ હતો. આપણે દાદા-દાદીની વચ્ચે ઉછર્યા હોય છે. પરદાદા કે પરદાદી તો બહુ નશીબદાર માનવીને જ લાભ મળ્યો હોય છે. કોઇપણ માનવી તેના પ્રથમ સંતાનને સૌથી વધુ પ્રેમ કરતો જોવા મળે છે. વિશ્ર્વના શ્રેષ્ઠ શિક્ષકો પૈકી દાદા-દાદી પણ ગણી શકાય છે. નાના બાળકોને તે એવી વસ્તું અને શીખ આપે છે જેના કારણે જીવનભર પોતાના પગ ઉપર ટટ્ટાર ઉભો રહી શકે છે. તે ભણેલ ન હોવા છતાં એક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ, કાઉન્સિલર છૂ5ાયેલો હોય છે. તેનો પ્રોત્સાહનનો હાથ ફરતાં જ બાળક શાંત થઇ જાય છે. સંયુક્ત પરિવારમાં બધા સાથે રહેતા એટલે મુશ્કેલીનો સામનો બધા સાથે મળીને કરતાં હતા ને આજે હું તો હતી ના યુગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પહેલાના જમાનામાં તો વરસના તમામ તહેવારોનું આયોજન થતું ને આનંદમય સમય પસાર કરતાં તો બંને વેકેશનમાં મામા-મામીના ઘેર નાના-નાનીનો અફાટ પ્રેમરૂપી સાગરમાં સમય ક્યાં પસાર થતો તેની ખબર જ ન પડતી.

જુની સીસ્ટમ ઘણી સારી હતી, પણ બદલાતા સમયમાં સમાજ વ્યવસ્થાના બદલાવમાં સંયુક્ત પરિવાર શહેર તરફની દોટને કારણે તૂટવા લાગતા ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. આજના મોંઘવારી યુગમાં સંતાનોની ફિ, મકાન ભાડા સાથે જીવનશૈલીને કારણે ખોટા ખર્ચાથી મહિનો પુરો કરવામાં નાકે દમ આવી જાય ત્યારે દાદા-દાદીનો સંધિયારો યાદ આવતા આંખમાં આંસુ આવી જાય છે. ઘણી પારિવારિક ફિલ્મોમાં ભાઇઓ-વહુઓ વચ્ચેના ઝગડાને કારણે પરિવારનો માળો વિંખાતો જોવા મળે છે તો ‘બાગબાન’ અને જુની ફિલ્મ ‘ભાભી’ જેવી ફિલ્મોમાં પણ આજ પ્રશ્ર્ન દર્શાવાયો છે. આજના યુગમાં તો દાદા-દાદીના ભાગલા તેના જ સંતાનો પાડીને એક નવી તરાહ ઉભી કરી છે ત્યારે તેના સંતાનો ભવિષ્યમાં તેને પણ વૃધ્ધાશ્રમનો દરવાજો જ બતાવશે એમા બે મત નથી.

પરિવારના ભાઇ-બેન, મા-બાપ, કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની, મામા-મામી, અદા કે ભાભુ અને માસા-માસી જેવા તમામ નજીકનાં સંબંધોમાં એકબીજાનો સંધિયારો મહત્વનો ગણાતો હતો. ઘરનાં મોભી વડિલ તમામને એક તાંતણે બાંધી રાખતો હતો. દાદા-દાદીના સાનિધ્યમાં સંસ્કારોનું સિંચન અને અઢળક વ્હાલ પરિવારને એક આનંદ સાથેનો માહોલ પુરો પાડતો હતો. આજે તો વૃધ્ધાશ્રમમાં દિકરા હોવા છતાં ઘણા દાદા-દાદી પોતાના અંતિમ જીવનના પડાવનાં દિવસો ગણીને ઉદાસ ચહેરા વચ્ચે પણ હસતા રહીને સૌનું સારૂ ઇચ્છે છે.

દાદા-દાદી અને પૌત્રો વચ્ચેનું એક અતૂટ બંધન હોય છે. પરિવાર સાથેની સિસ્ટમમાં ઉછરેલ બાળક અને એકલા રહેનાર બાળકનાં ઉછેરમાં ઘણો તફાવત જોવા મળે છે. દાદા-દાદીના સાનિધ્યમાં બાળકોને પ્રેમ, પારિવારિક મહત્વ અને તેનો ઇતિહાસ, ભાવનાત્મક એટેચમેન્ટ, નિતિમત્તા સાથે ખુશ રહેવાની કલા શીખે છે. એક માસ્તર કરતાં પણ દાદા-દાદીનાં શિક્ષણના પાઠોનું મહત્વ વિશેષ છે. જીવન મૂલ્યોનું શિક્ષણ પુસ્તકોમાંથી કે શાળામાંથી ન મળી શકે તે મેળવવા દાદા-દાદીના ખોળામાં બેસવું જ પડે છે. દરેક વ્યક્તિનું જીવન એક કુટુંબથી શરૂ થાય છે, અને સમાપ્ત પણ થાય. કૌટુંબિક સંબંધોને મજબૂત કરવામાં અને તેના પ્રશ્ર્નોના નિરાકરણમાં તેની ભૂમિકા વિશેષ ગણાય છે. દરેક પરિવારનું અભિન્ન અંગ એટલે દાદા-દાદી. સંયુક્ત પરિવારની જીવાદોરી એટલે જ ‘દાદા-દાદી’. બાળકો તેને એક મિત્ર તરીકે જોવે છે, તેથી જ તે જોઇતી વસ્તુની માંગણી દાદા પાસે જ કરે છે. હાલના સંજોગોમાં તેને બોજ તરીકે ગણે છે. તેથી જ જુદા રહેવા સંતાનો થાય છે. આજના યુગમાં માનવી દરેક બાબતમાં સ્વતંત્ર બનવાની ઇચ્છાને કારણે જીવનશૈલીમાં પરિવર્તન આવતાં તેમનું કદ બદલાય ગયું છે. આજે મોટાભાગના દાદા કે દાદી એકલા પડી ગયેલા છે, કારણ કે તેની કાળજી લેવા વાળું કોઇ જ નથી. દરેકના બાળપણથી કિશોરાવસ્થાની સમજણ સુધી દાદા-દાદીના પ્રોત્સાહનથી જ શ્રેષ્ઠ વિકાસ શક્ય બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.