Abtak Media Google News

હાલ કોરોનાની ગતિ મંદ જરૂર પડી છે પણ તેની તિવ્રતા અને જોખમને હજુ પણ ઓછું આંકી શકાય તેમ નથી. કારણ કે, હજુ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ લોકો કોરોનાથી છુટ્ટી તહેવારોની સીઝનમાં પહેલાંની જેમ થનગનવા આતુર છે તો બીજી તરફ કાકીડાની જેમ કલર બદલતા કોરોનાનો ભય પણ લાગી રહ્યો છે. જો કે, વાયરસ સામે રક્ષણ મેળવવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાનને વધુ એક ગતિ મળનારી છે. જી, હા ભારતમાં આગામી ટૂંક સમયમાં બાળકોને રસી આપવાનું શરૂ થઈ જશે…!! આ તરફ સરકારે પગલું ભરી ભારત બાયોટેકની કોરોના વિરુદ્ધની રસી  કોવેકસીનને મંજૂરી પ્રદાન કરી દીધી છે.

કોવેક્સિન કોરોના રસી હવે 2 વર્ષથી 18 વર્ષ વયજુથનાઓને આપી શકાશે. ભારત બાયોટેક અને ICMR-ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચએ મળીને કોવેક્સિન બનાવી છે. કોવેક્સિન કોરોના વાયરસ સામે ક્લિનિકલ ટ્રાયલમાં લગભગ 78 ટકા અસરકારક હોવાનું સાબિત થયું છે.

અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. તે પછી બાળકોને રસી આપવાનું શરૂ થશે. એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ કોવેક્સિન રસીના બે ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી હાથ ધરાયેલા ટ્રાયલમાં બાળકોને આપાયેલ રસીમાંથી કોઈ પણ બાળકમાં આડઅસર જોવા મળી હોય કે કોઈ બાળકને નુકસાન થયુ હોય તેવી કોઈ વાત સામે આવી નથી.

અહેવાલો મુજબ, જે બાળકોને અસ્થમા વગેરેની સમસ્યા છે. અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તેવા બાળકોને પ્રાધાન્યતા આપી તેમને પહેલા રસી આપવામાં આવી શકે છે. આ રસી સરકારી સ્થળોએ વિનામૂલ્યે સ્થાપિત કરવામાં આવશે. જો કે, કોરોના સામે બાળકોનું રસીકરણ ક્યારથી શરૂ થાય એ અંગે હજુ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ દિવાળી બાદ આગામી ટૂંક સમયમાં બાળકોને રસી આપવાનું શરૂ થઈ જાય તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ગત સપ્ટેમ્બર માસમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોવેક્સિનનો ફેઝ -2 અને ફેઝ -3 ટ્રાયલ પૂર્ણ કર્યો હતો અને આ મહિનાની શરૂઆતમાં ડ્રગ્સ એન્ડ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને ટ્રાયલ ડેટા સબમિટ કર્યો હતો. નિષ્ણાત પેનલે નિવેદનમાં જણાવ્યું છે કે, વિગતવાર વિચાર -વિમર્શ પછી, સમિતિએ કટોકટીની પરિસ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે 2 થી 18 વર્ષની વય જૂથ માટે મંજૂરી પ્રદાન કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.