Abtak Media Google News

ચીલ ઝડપના કાયદાને અસરકારક બનાવવા ધરખમ ફેરફાર સાથે કરાયો મહત્વનો સુધારો

રાજયમાં સોનાના ચેન, મોબાઇલ અને પર્સની ચીલ ઝડપના ગુના અટકાવવા અને ઝડપાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે કાયદામાં સુધારો કરી સજાની જોગવાઇ દસ વર્ષની કરવામાં આવતા ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલા શખ્સોને લાંબો સમય સુધી જેલવાસ ભોગવવો પડે તેવી સ્થિતી સર્જાતા ‘સમડી’નું આવી બનશે અને ચીલ ઝડપના ગુનામાં નોંધપાત્ર ઘટાડો થશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

ચીલ ઝડપના કાયદાને અસરકારક બનાવવા રાજય સરકાર દ્વારા સુધારા સાથેનું રજુ કરાયેલા બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરીની મોહર મારી દેતા રાજયમાં ચીલ ઝડપના ગુનામાં ઝડપાતા શખ્સો સામે નવા સુધારાયેલા કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતમાં છેલ્લા વર્ષમાં ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ફોજદારી કાયદા ( ગુજરાત સુધારણા) બીલ ૨૦૧૮ને મંજુરી આપી છે. જે રાજયમાં ચેઇન સ્નેચીંગ અને મોબાઇલ અથવા પર્સની ચીલ ઝડપના વધતા જતા ગુનાને અંકુશમાં લેવા માટે હોવાનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

ચેઇનની ચીલ ઝડપના ગુનામાં ઝડપાયેલા શખ્સો સામે કોર્ટ કાર્યવાહી અને સુનાવણીના અંતે વધુમાં વધુ ત્રણ વર્ષની સજા થઇ શકે તેવી જોગવાઇમાં સુધારો કરી ચેઇનની ચીલ ઝડપના ગુનામાં પકડાતા શખ્સો સામે સુધારા મુજબના કાયદા અનુસાર કાર્યવાહી કરી તેઓને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

સોનાના ચેઇન, મોબાઇલ અને પર્સ જેવી કિંમતી ચિજવસ્તુ ગુમાવનારની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોવાથી રીઢા ગુનેગારો પર અંકુશ મેળવવા કાયદામાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે.જેના કારણે ચીલ ઝડપના ગુનામાં ઝડપાતા શખ્સોને દસ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તેમજ તેઓને રૂ.૨૫ હજારના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. ચીલ ઝડપના ગુનામાં ઝડપાતા શખ્સો સામે અત્યાર સુધી ૩૭૯ મુજબ ગુનો નોંધાતો હતો જેમાં સુધારો કરી આઇપીસી ૩૭૯(સી) અને ૩૭૯(ડી) મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.