કોરોનાના કોહરામ વચ્ચે સંક્રમણ અંગે માહિતી છુપાવવા ચીનના હવાતિયાં !!

ચીનમાં ફક્ત એક મહિનામાં કોરોનાથી આશરે ૬૦ હજાર લોકોના મોત નિપજ્યાનો ઘટસ્ફોટ

ચીનમાં છેલ્લા એક મહિનામાં કોરોનાને કારણે ૬૦  હજારથી વધુ લોકોના મોત થયા છે. શનિવારે સ્વાસ્થ્ય વિભાગની માહિતી મુજબ, જ્યારથી ઝીરો કોવિડ પોલિસી હટાવવામાં આવી છે, ત્યારથી ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આ એક મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છુપાવવાને કારણે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ટીકાનો સામનો કરવો પડે છે.

બેઇજિંગની શૂન્ય કોવિડ નીતિ સામે નવેમ્બરમાં વિરોધ શરૂ થયો હતો, જે પછી ડિસેમ્બરની શરૂઆતમાં કોવિડ પરીક્ષણ, મુસાફરી પ્રતિબંધો અને મોટા પ્રમાણમાં લોકડાઉન હટાવવામાં આવ્યું હતું. તે પછી, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટે ચીનમાં હોબાળો મચાવી દીધો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત દર્દીઓને તાવને કારણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પણ મોતના આંકડા સતત વધી રહ્યા છે.

નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) ના મેડિકલ એડમિનિસ્ટ્રેશન બ્યુરોના વડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ૮ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરીની વચ્ચે, હોસ્પિટલોમાં કોવિડ-સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા ૫૯,૯૩૮ હતી. આમાં કોવિડને કારણે શ્વાસ લેવામાં તકલીફને કારણે ૫૫૦૩ મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, કોવિડ સંબંધિત અન્ય રોગોને કારણે ૫૪,૪૩૫ લોકોના મોત થયા છે.

ભલે સત્તાવાર આંકડાઓમાં મૃત્યુઆંક ૬૦ હજાર જણાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં આ આંકડા વધુ ભયાનક હોઈ શકે છે કારણ કે ઓગસ્ટ ૨૦૨૨માં ચીને કોરોનાના કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ બદલી હતી. આ પદ્ધતિ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલા ફોર્મ્યુલાથી સંપૂર્ણપણે અલગ છે. ચીનમાં, કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં માત્ર શ્વસન રોગ અને ન્યુમોનિયાના કારણે મૃત્યુનો ઉમેરો થઈ રહ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ૯૦ ટકા મૃત્યુ ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થયા છે. અને સરેરાશ ઉંમર ૮૦ વર્ષ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવિડ-૧૯ ટેકનિકલ હેડ, મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, ચીન તરફથી આવતી માહિતીમાં ગરબડ છે. અમે આંકડાઓની માયાજાળને દૂર કરવા માટે ચીન સાથે કોરોના લઈને કામ કરી રહ્યા છીએ. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂન્ય-કોવિડ નીતિના અંત પછી, ચીનમાં કોવિડ-૧૯ સંક્રમણ વધ્યુ છે. જો કે ચીન એ વાતનો ઇનકાર કરી રહ્યું છે કે તે કોવિડના મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે, ચીન જાણીજોઈને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓને ઓછો જણાવી રહ્યું છે.