2023થી ‘ચિપ બેઇઝ’ પાસપોર્ટ રેડી !!!

ઇ-પાસપોર્ટ દેખાવમાં રેગ્યુલર પાસપોર્ટ જેવો જ હશે પણ તેમાં નાની ઈલેક્ટ્રોનિક ચિપ પણ હશે: ચિપમાં તમામ માહિતીનો સંગ્રહ હશે

ટીસીએસ આ વર્ષના અંત સુધીમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ બહાર પાડી શકે છે. ટીસીએસ ભારતીય વિદેશ મંત્રાલય સાથે મળીને એક નવું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ટીસીએસ સાથે 10 વર્ષનો પીએસકે સોદો રિન્યૂ કર્યો હતો, જેનું મૂલ્ય આશરે રૂ. 6,000 કરોડ છે.  પાસપોર્ટ પ્રોજેક્ટનો આ બીજો તબક્કો હતો, જેના માટે કંપનીએ સરકારને વિનંતી કરી હતી.  આ પાસપોર્ટ પ્રોજેક્ટ ટીસીએસ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણાયક ઈ-ગવર્નન્સ પ્રોગ્રામ છે.

પહેલી નજરે ઇ-પાસપોર્ટ પણ રેગ્યુલર પાસપોર્ટ જેવો જ લાગે છે.  જોકે, ઈ-પાસપોર્ટ નાની ઈલેક્ટ્રોનિક ચિપ સાથે આવે છે, જે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવું જ છે.  તે માઇક્રોચિપમાં પાસપોર્ટમાં છપાયેલી તમામ માહિતી હોય છે.  જેમાં નામ, જન્મ તારીખ, સરનામું અને અન્ય ઘણી માહિતીનો સમાવેશ થાય છે.

આના કારણે, મુસાફરીની વિગતો વિશેની માહિતી કોઈપણ અધિકારીઓને ઓછા સમયમાં અને સરળતાથી મળી શકે છે.  આ ઉપરાંત, એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન અને એક એન્ટેના પણ ઇ-પાસપોર્ટમાં એમ્બેડ કરવામાં આવ્યા છે.  પાસપોર્ટની તમામ મહત્વપૂર્ણ માહિતી ડેટા પેજ પર પણ પ્રિન્ટ કરવામાં આવે છે અને ચિપમાં પણ સંગ્રહિત થાય છે.

જુના પાસપોર્ટને અપડેટ કરાવી શકાશે

વપરાશકર્તાઓ પાસે હવે જે પણ પાસપોર્ટ હશે, તે સંપૂર્ણ રીતે માન્ય રહેશે.  જ્યારે યુઝર્સ તેમના જૂના પાસપોર્ટને અપડેટ કરવા માટે આપે છે, ત્યારે તેને નવી ચિપ સાથે રિન્યૂ કરવામાં આવશે.

ઈ-પાસપોર્ટથી સુરક્ષા બનશે સઘન

ઈ-પાસપોર્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે નકલી પાસપોર્ટનું સર્ક્યુલેશન ઓછું થશે. ઈ-પાસપોર્ટ શરૂ થવાથી સરકાર પાસપોર્ટની સુરક્ષાને મજબૂત કરી શકશે, નકલી પાસપોર્ટને ચેક કરી શકશે અને ડેટા સાથે ચેડાં જેવી બાબતોથી પણ છુટકારો મેળવી શકશે.  આ સિવાય ઘુસણખોરોને પણ રોકી શકાય છે.  ઈલેક્ટ્રોનિક ચિપના કારણે સરકાર પાસપોર્ટની ઓળખ વેરિફિકેશનનું સ્તર પણ વધારી શકશે.