Abtak Media Google News

પર્વતાળ-ડુંગરાળ અને ખડકાળ વિસ્તાર સાથે વૃક્ષાચ્છાદિત વિસ્તાર તેમનું નિવાસ સ્થાન છે: હરણ સૌથી શરમાળ અને નાજુક હોવાની સાથે ખૂબ જ ઝડપી દોડી શકે છે

 

ઘર આંગણના પશુ-પંખી સાથે આપણને જંગલ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ જોવા મળે છે. સિંહ, વાઘ, દિપડા, ચિત્તા સાથે વિવિધ જાતના હરણ જંગલની શાન હોય છે. તે જોવાની બહુ જ મજા આવે છે. દોડતાને કુંદતા હરણના ટોળા જોવા એ કુદરતનો ભવ્ય નજારો છે. પાતળા પગને નાનકડી પૂંછડી સાથે માથે શિંગડાથી સુંદર દેખાવ હરણનો હોય છે. હરણ પ્રજાતિમાં ચિત્તળ-સ્પોટેડ ડિયરએ હરણ કુળનું સૌથી સુંદર પ્રાણી છે. ચાર શિંગડાવાળા સાબર કે ચોશિંગા હરણ હવે આપણાં ગુજરાતમાં લુપ્ત થવાના આરે ઉભા છે. તેનો પીઠનો ભાગ લાલાશ પડતા ભુખરા રંગનો અને પીઠ નીચે સફેદ કલર જોવા મળે છે. આ કુળના હરણમાં નરને શિંગડા હોય છે. જ્યારે માદા કે જેને આપણે હરણી કહીએ છીએ તેને શિંગડા હોતા નથી. માદા ચોસિંગા આમેય સાબરથી અલગ પડતા જોવા મળે છે. હરણ-સાબર કાળિયાર ગૃપનું સૌથી શરમાળ અને નાજુક પ્રાણી છે. હરણ હંમેશા પાંચ કે છ ના જૂથમાં જોવા મળે છે. હિંસક પ્રાણીથી તેમને ખતરો હોવાથી તે હંમેશા સજાગ રહે છે. તેની ઝડપ શિકારી પ્રાણી કરતાં વધારે હોય છે પણ શિકારી પ્રાણી જૂથમાં હોવાથી તે ગમે તે એકને ટાર્ગેટ કરીને આ ભોળા હરણને સપડાવી દે છે. હરણ પર્વતાળ-ડુંગરાળ અને ખડકાળ વિસ્તારો સાથે વૃક્ષાચ્છાદીત વિસ્તારમાં વધુ જોવા મળે છે.

ચિત્તળ હરણ સોનેરી ભુખરા રંગનું હોય અને આખા શરીર ઉપર સફેદ રંગના ટપકાં જોવા મળે છે. 60 થી 90 કિલો વજન ધરાવતા આ હરણની ઊંચાઇ 65 થી 90 સે.મી. જેટલી જોવા મળે છે નર રક્ષણ માટે આપેલા આ શિંગડા ઘણી ઝાડી, ઝાંખરામાં ભરાઇ જવાથી તેને ઘણીવાર મુશ્કેલી ઉભી કરે છે. હરણના શિંગડા દર વર્ષે ખરી જાય છે ને નવા ઉગતા શિંગડા ખૂબ જ કઠણ થતા જાય છે. સામાન્ય રીતે આ હરણ 10 થી 30ના ટોળામાં જોવા મળે છે. હરણ સવાર અને સાંજે ચારો ચરવા જંગલ આસપાસના ખેતરોમાં વધુ જોવા મળે છે. હરણ જંગલના અન્ય પ્રાણીઓ જેવા કે વાંદરા વિગેરે સાથે હળી મળીને રહેતું સસ્તનધારી-તુણભક્ષી પ્રાણી છે. તે દેખાવે ખૂબ જ આકર્ષક લાગે છે. આપણા પૌરાણિક ગ્રંથમાં ઋષીઓના આશ્રમમાં તે અવશ્ય જોવા મળે છે. હરણ રાત્રે વિશાળ જૂથમાં આરામ કરતું વધુ જોવા મળે છે. તે બિલાડી કુળના મોટા પ્રાણીઓ સિંહ, દિપડાં કે ચિત્તાનો મુખ્ય ખોરાક છે. તેમની સાબર પ્રજાતિનું વજન 225 થી 300 કિલો જેટલું હોય છે. 5 ફૂટની ઉંચાઇ ધરાવતું સાબર હરણનો રંગ આછો પીળો ભૂખરો સાથે નીચેનો ભાગ આછો ભૂખરો જોવા મળે છે. સાબરના શિંગડાને વિવિધ પ્રશાખાઓ હોય છે. તે આછા જંગલો સાથે પાનખર જંગલોનું રહેવાસી પ્રાણી છે.

આપણે ત્યાં ડાંગ, સાસણ-ગીર તેમજ શુલ પાણેશ્ર્વરના જંગલોમાં વધુ જોવા મળે છે. તેમનો મુખ્ય આહાર ઘાસ, પાંદડાઓ સાથે વિવિધ જાતનાં જંગલી ફળો છે. તે ખૂબ જ સારૂ તરી શકે છે. પાણીમાં તરતી વખતે માથુ અને પીઠ પાણીની બહાર દેખાય તેવી રીતે તરંતુ જોવા મળે છે. તે સાંતાક્લોસનું પ્રિય પ્રાણી છે. તેના દરેક ચિત્ર-વાતોમાં હરણ આવે જ સાથે આપણી મોટાભાગની બાળવાર્તામાં ભોળા હરણોની વાત આવે જ છે. આજે વિશ્ર્વમાં 100થી વધુ હરણની જાતો જોવા મળે છે. વનસ્પતિ આહારી જંગલી પ્રાણીઓમાં નિર્દોષ અને રૂપકડું સુંદર પ્રાણી હરણ છે. આપણા દેશમાં મૃગ-કાળિયાર-ચિંકારા-સાબર જેવા વિવિધ હરણો જાણીતા છે.

દુનિયાનું સૌથી મોટું હરણ ‘આફ્રિકન બોંગો’

વિશ્ર્વભરમાં હરણની 100થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તે ખૂબ જ બિકણ પ્રાણી છે પણ ચબરાક ઘણું હોવાથી તે ઘણીવાર શિકારી પ્રાણીના હાથમાંથી છટકી જાય છે. દુનિયાનું સૌથી મોટું હરણ આફ્રિકાના ઘાસના મેદાનોમાં જોવા મળતું ‘બોંગો’ છે. એકથી દોઢ મીટરના ઉંચા અને બે થી ત્રણ મીટર લાંબા જોવા મળે છે. તે ઘાસના મેદાન અને ઝાડીઓમાં છુપાઇને રહેવા ઉપરાંત તેની રૂંવાટી કેસરી કલરની હોય છે. શરીર ઉપર તેમને 10 થી 15 સફેદ પટ્ટા ઝિબ્રા જેવા હોય છે. આને કારણે તે જંગલમાં સહેલાયથી છુપાય જાય છે. બોંગોના કાન અને જીભ બહુ લાંબા હોવા ઉપરાંત તેનું શરીર ખૂબ જ કદાવર હોય છે. તે ઘણો ખોરાક ખાય છે. જેના પાચન માટે કુદરતે તેને ચાર હોજરી આપી છે. આ હરણ જરાક ભય લાગે એટલે ઝડપથી કૂદકો મારીને દોડવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.