Abtak Media Google News

પસંદગી મેળો યોજવાની અલૌકિક ઘટના: અનુકરણીય પગલું: બાલાશ્રમની કન્યા એટલે વિશ્વ પરિવારની દીકરી ! અનાથ દીકરીઓના માબાપ બનવાનું સૌભાગ્ય: ગદ્દગદ્દ દ્રશ્યો

‘દીકરી વહાલનો દરિયો’ એ વાત હવે સહુ કોઈ અનુભવી ચૂકયા છે. એની પ્રતીતિ કરાવતી ઘટનાઓ અખબારોમાં વાચી શકાય છે. અને સારી પેઠે સાંભળી પણ શકાય છે.

દીકરીઓ તમામ માબાપોને વહાલી લાગે છે. તમામ ભાઈને બહેનો વહાલી જ લાગે છે.

એક સમયે સામાજિક વ્યવસ્થાનાં કદરૂપા સ્વરૂપને કારણે દીકરી વહાલનો દરિયો મટી ગઈ હતી. અને ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ એવી હાલતમાં મૂકાઈ હતી દીકરીને જન્મતાંવેંત દૂધપીતી કરવાનો અને એના જીવતી રહેવાના હકકને ક્રૂર રીતે ખતમ કરી નખાયો હતો. દીકરી પ્રત્યે નફરતની લાગણીથી જોવાતું હતુ.

હમણા સુધી ‘બેટી બચાવો-બેટીને ભણાવો’નું અભિયાન ચલાવાતું રહ્યું છે.

મૃત પતિની પાછળ ‘સતિ’ થવાનો રિવાજ પણ ઘૂસાડાયો હતો.

ક્રમે ક્રમે એ અંગે સુધારાની ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. સ્ત્રીને સમાન દરજજો આપવાનો અને સમાન હકકો આપવાની વિશ્ર્વ વ્યાપી લડત હાથ ધરવામાં આવી હતી.

એક સમયે આપણા હિન્દુસ્તાનમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બીજી રણચંડી નારીઓ હતી. આજે રાજપૂતી ખમીર ધરાવતી રણચંડી સ્ત્રીઓ ઘણે ભાગે નથી રહી…

દહેજતા અનિષ્ટ, સ્ત્રીઓ પ્રત્યે હિંસાખોરી, બળાત્કારો અને ઘાતકી વ્યવહાર જેવા દૂરાચાર આપણા દેશની નારીઓએ સહેવા પડયા છે.

આવી હાલત વચ્ચે ‘કડવા લીમડામાં મીઠી ડાળ’ જેવી ઉમદા ઘટના ગોંડલમાં બની છે, જે બેશક અનુકરણીય છે.

ગોંડલના અહેવાલ મુજબ ગોંડલવાસીઓની લાગણી જયાં જોડાયેલી છે. અને મહારાજા સર ભગવતસિંહજીએ મમત્વનાં વટવૃક્ષનું જેમાં આરોપણ કર્યું છે તેવા ભગવતસિંહજી બાલાશ્રમની સાત દિકરીઓ માટે યોગ્ય મુરતીયાની પસંદગી સંપન્ન થવા પામી હતી સાત પૈકી ચાર દીકરીઓનાં યોગ્ય પાત્રની પસંદગી બાદ ત્રણ દીકરીઓ માટે યોગ્ય મૂરતીયાની પસંદગી અંગે પ્રયત્ન હાથ ધરાયા છે. આગામી સમયમાં શાહી ઠાઠમાઠ સાથે આ દિકરીઓનાં લગ્ન યોજાશે.

બાલાશ્રમમાં હાલ ૨૦ બાળાઓ આશરો લઈ રહી છે.તે પૈકી નાનપણથી બાલાશ્રમમાં ઉછરી લગ્ન લાયક બનેલી સાત દીકરીઓ માટે નગરપાલીકા તંત્ર દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતુ. અગ્રણીઓના વડપણ હેઠળ બનેલી કમીટીએ માવતરની ભૂમિકા અદા કરી ચોકકસાઈપૂર્ણ મૂરતીયાની પસંદગી હાથ ધરી હતી.

પારિવારી ભાવના વચ્ચે મૂરતીયાઓની આર્થિક, સામાજીક, અને પારિવારીક બાબતો ને ઝીણવટથી જાણી સાત પૈકી ચાર દિકરીઓ માટે યોગ્ય મુરતીયાની પસંદગી સંપન્નક થવા પામી હતી. આ પસંદગી માં દિકરીઓની સહમતી પણ મહત્વની બની હતી.

અહીં એક નોંધપાત્ર બાબત એ છે કે જન્મતાંની સાથે જ દીકરીને બાલાશ્રમમાં જવું પડે એ સ્થિતિ આપણા સામાજીક ઢાંચાની કમજોરી ગણાય અને તે વજર્ય લેખાય. આવો ઢાંચો પરમાત્માના દરબારમાં અપરાધ જ લેખાય !

બાલાશ્રમોની સંખ્યા વધે, બાલાશ્રમોમાં અનાથોની સંખ્યા વધે, વૃધ્ધાશ્રમો ઉભા થાય, માબાપોને જૈફ ઉંમરે અને અશકત હાલતમાં પોતાના હરિયાળા ઘરબાર છોડીને વૃધ્ધાશ્રમમાં શેષ જીવન ગાળવું પડે એ સ્થિતિને પણ ઉત્તેજન ન આપી, દિપોત્સવના રૂડા તહેવારોને વખતે ગોંડલના સમાજ સેવક મહાનુભાવોઅ કરેલી પૂણ્યભીનિ કામગીરીને અભિનંદન આપીએ અને બાલાશ્રમો, અનાથાશ્રમો, વૃધ્ધાશ્રમોના સામાજીક ઢાંચા અંગે પૂણ્યત્માઓ નવેસરથી વિચારે એમ કહેવું જ પડે છે !

આપણી સંસ્કૃતિતો એમ કહે છે કે, ‘યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા: (જયાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વસે છે…)

નેપોલિયને ફ્રાન્સની પ્રજાને કહ્યું હતુ કે, ‘તમે મને ૧૦૦ આદર્શ માતાઓ આપો, હું’ તમને આ દેશની આઝાદી આપીશ…’

અને આપણી સાંસ્કૃતિક કહેવત છે કે, ‘જે કર ઝુલાવે પારણું, તે જગત ઉપર રાજ કરે !’ આપણે દીકરીઓ પ્રત્યે દરિયા જેટલું વહાલ બતાવતા થઈએ, એમાંજ આપણું અને આપણા સમાજનું ભલું છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.