Abtak Media Google News

દ્વારકા દર્શનાર્થે જતાં સર્જાઈ કરુણાંતિકા: બંધ ટ્રક પાછળ તુફાન ઘુસી જતા 2ના મોત
 અમદાવાદથી પાડોશી તુફાન બાંધી દ્વારકા દર્શનાર્થે જતાં સર્જાઈ કરુણાંતિકા: બે મહિલા સહિત સાત ઘાયલ

ચોટીલા નજીક અજમેરા પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે બંધ ટ્રેક પાછળ તુફાન ઘુસી જતા અમદાવાદના બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે તુફાન સવાર અન્ય બે મહિલા સહિત સાત ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાડોશીઓ તુફાન બાંધી દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે કરુણાંતિકા સર્જાતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં રહેતા બે પાડોશી પરિવારના સભ્યો સુમનભાઈ રતિલાલ મકવાણા (ઉ.વ.61), કિનરીબેન સુમનભાઈ મકવાણા (ઉ.વ.49), કુશલ સુમનભાઈ મકવાણા (ઉ.વ.13), રશ્મીબેન મહેશભાઈ ગોહેલ (ઉ.વ.52), નારંગીબેન વનજીભાઈ સોલંકી (ઉ.વ.85), કિરણબેન મોહનસિંગ સોલંકી (ઉ.વ.46), યશ મોહનસિંગ સોલંકી (ઉ.વ.23), જીલબેન મોહનસિંગ સોલંકી (ઉ.વ.13), પંકજ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.51) અને આર્યન પંકજભાઈ ચૌહાણ (ઉ.વ.21) જીજે 18 એવી 7708 નંબરની તુફાન કાર બાંધી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. ત્યારે ચોટીલા નજીક અજમેરા પેટ્રોલ પંપ પાસે આગળ ઉભેલા બંધ ટ્રક પાછળ તુફાન કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં સુમનભાઈ મકવાણાનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે કિનરીબેન મકવાણા, નારંગીબેન સોલંકી, રશ્મી બેન ગોહેલ અને કુશલ મકવાણાને વધુ ઈજાઓ થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધા નારંગીબેન સોલંકીએ પણ અત્રે સારવારમાં દમ તોડતા મોતની સંખ્યા બે પર પહોંચી હતી. જ્યારે અન્ય ત્રણ થી ચાર લોકોને પણ નાની મોટી ઇજા થતાં તેઓને સારવાર માટે ચોટીલામાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચોટીલા નજીક વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તુફાન કારનો બુકડો બોલી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી અને ગામજનોએ તુરંત કારમાંથી લોકોને બહાર કાઢવાની તજવીજ હાથધરી હતી. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે ઘટનાના પગલે ટ્રાફિક કલીયર કરાવી ઘટનાસ્થળ પર એકનું મોત થયું હતું જેના કારણે મૃતદેહ પીએમ અર્થે ખસેડી ગંભીર રીતે ઘવાયેલાં મુસાફરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ગમખ્વાર અકસ્માતમાં એક સાથે બે લોકોના મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.