ચોટીલા: રસ્તો ઓળંગતી વેળાએ કારની ઠોકરે ઘવાતા તળાજાના યુવાનનું મોત

death
death

ચોટીલાથી મોરબી જવા માટે પૈસા એકઠા કરતી માતાની નજર સામે જ પુત્રને કાળ ભેટ્યો

ચોટીલામાં બામણબોર રોડ પર કારની ઠોકરે ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું. રસ્તો ઓળંગતી વેળાએ સર્જાયેલા અકસ્માતમાં માતાની નજર સામે જ પુત્રને કાળ ભેટતા ગમગીની છવાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા પાસે બામણબોર રોડ પર રસ્તો ઓળંગતી વેળાએ કારની ઠોકરે ઘવાયેલા મૂળ તળાજાના અને હાલ મોરબી રહેતા પાર્થભાઇ નરેન્દ્રભાઇ ભટ્ટ નામના 40 વર્ષના યુવાનને અજાણ્યા કાર ચાલકે ઠોકરે લેતા તેમનું સારવારમાં મોત નિપજ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ તળાજાના અને હાલ મોરબી રહી પેટીયું રળતા ભાવનાબેન નરેન્દ્રભાઇ ભટ્ટ અને તેના પુત્ર પાર્થ ભટ્ટ ચોટીલા દર્શનાર્થે આવ્યા હતા. જેથી પરત મોરબી જવા માટે કોઇ કામકાજ કરી પૈસા ભેગા કરતા હતા. તે દરમિયાન ગઇ કાલે માતા-પુત્ર બામણબોર રોડ પર હતા તે દરમિયાન માતાની નજર સામે પુત્ર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે પાર્થભાઇ ભટ્ટને હડફેટે લીધાહતા.

અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા પાર્થભાઇ ભટ્ટનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.