Abtak Media Google News

દિવાળી પહેલા બોલિવુડ દિવાળી મનાવશે!!

ઉદ્ધવ સરકારની કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે બેઠક બાદ 22 ઓક્ટોબરથી સીનેમાઘરો ખોલવાનો કરાયો નિર્ણય

કોરોના બીજી લહેરનો ગંભીર રીતે સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં લાંબા સમય પછી સિનેમા ઘરો અને થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમાચારની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સચિવાલયે કહ્યું કે, કોવિડ માર્ગદર્શિકા હેઠળ 22  ઓક્ટોબરથી રાજ્યમાં ફરી સિનેમા હોલ અને થિયેટરો ખોલવામાં આવશે. જણાવી દઈએ કે ઘણા રાજ્યોમાં થિયેટરો અને સિનેમાં હોલ પહેલા જ ખોલવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં મંદિરો અને શાળાઓ ખોલ્યા બાદ હવે સિનેમા ખોલવાની પરવાનગી અપાઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે સિનેમા અને નાટકો સાથે સંકળાયેલા કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ, મલ્ટિપ્લેક્સ

અને સિનેમા હોલના માલિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી કે 22 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલ ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના નિર્ણય બાદ લગભગ દોઢ વર્ષ પછી રાજ્યમાં થિયેટરો ખોલવામાં આવશે.

લાંબા સમયથી મહારાષ્ટ્રમાં સિનેમા હોલના માલિકો સરકારને કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ થિયેટરો ખોલવાની અપીલ કરી રહ્યા હતા. મુંબઈમાં બોલિવુડ ગઢમાં જ સિનેમા ગૃહો બંધ હોવાને કારણે મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને ભારે તકલીફ પડી રહી હતી. અહીં મૂવી જોનારાઓની મોટી સંખ્યા છે. થિયેટરો, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સની શરૂઆત થતા રાજ્ય સરકારને અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે, 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. આ માટે ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. આ દિવસથી નવરાત્રિ પણ શરૂ થશે. મુખ્યમંત્રી કાર્યાલયે સ્પષ્ટ કર્યું કે સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ ત્યાં આવતા ભક્તો માટે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.