Abtak Media Google News

Table of Contents

વેક્સીન ઓન ધ રેકોર્ડ મરજિયાત, ઓફ ધ રેકોર્ડ ફરજીયાત 

એક તરફ સરકારે સુપ્રિમમાં એવું સોગંદનામું રજૂ કર્યું કે વેક્સીન લેવા કોઈને દબાણ કરવામાં આવતું નથી, બીજી તરફ વેક્સીન ન લેનારને નિયત જગ્યાએ પ્રવેશ બંધી મુકવી કાયદા વિરુદ્ધ હોવાના નિષ્ણાંતોના મંતવ્યો

અબતક, રાજકોટ : વેક્સીન ઓન રેકોર્ડ ભલે મરજીયાત રહી પણ ઓફ ધ રેકોર્ડ ફરજિયાત હોવાનું નજર સમક્ષ છે. એક તરફ સરકારે સુપ્રિમમાં એવું સોગંદનામું રજૂ કર્યું કે વેક્સીન લેવા કોઈને દબાણ કરવામાં આવતું નથી, બીજી તરફ વેક્સીન ન લેનારને નિયત જગ્યાએ પ્રવેશ બંધી મુકવી કાયદા વિરુદ્ધ છે. તેમજ સરકારનો આવો પરિપત્ર ગેરકાયદેસર છે. તેવા નિષ્ણાંતોએ મંતવ્યો આપ્યા છે.

રાજ્ય સરકારે ગત તા.1 જાન્યુઆરીના રોજ વેકસીનના બન્ને ડોઝ ન લીધા હોય તેવા વ્યક્તિઓને સરકારી કચેરીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જાહેર કર્યો હતો. રાજ્યની તમામ સરકારી કચેરીઓના વડાને આ આદેશનું પાલન કરવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્યસચિવ એકે રાકેશ તરફથી લેખિતમાં સૂચના આપવામાં આવી હતું.  સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-નિગમની કચેરીઓ, વિવિધ સરકારી ભવનો અને રાજ્યમાં જિલ્લાસ્તરે આવેલી સરકારી ઓફિસોને આદેશનું પાલન કરવું પડશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેના પગલે તમામ કચેરીઓમાં કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે કે નહિ તેના પ્રમાણપત્રની ખાતરી કર્યા પછી જ અરજદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

બીજી તરફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખૂબ ડાહી ડાહી વાતું કરતા જણાવ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના રસીકરણ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોઈપણ વ્યક્તિ તેની સંમતિ વિના રસીના ડોઝ બળજબરીથી આપી શકાતા નથી. વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્રો રજૂ કરવાથી મુક્તિ આપવાના મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેના દ્વારા આવી કોઈ એસઓપી જારી કરવામાં આવ્યું નથી, જેમાં કોઈપણ હેતુ માટે કોરોના રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત છે.

એજન્સી અનુસાર, કેન્દ્ર સરકારે એક એનજીઓ એવેરા ફાઉન્ડેશનની અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાત કહી. અરજીમાં એન.જી.ઓ વિવિધ દિવ્યાંગોનું ઘરે-ઘરે રસીકરણ કરાવવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં કોઈપણ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણની કલ્પના કરવામાં આવી નથી. એટલું જ નહીં, મંત્રાલયે કહ્યું કે, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, રસીકરણ કાર્યક્રમ વ્યાપક જનહિતમાં ચલાવવામાં આવી રહ્યો છે.

મંત્રાલયે કહ્યું કે, વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેરાતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તમામ નાગરિકોને કોરોનાની રસી લેવી જોઈ અને આ માટે સિસ્ટમ અને કાર્યપદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે. જો કે, કોઈપણ વ્યક્તિ માટે તેની સંમતિ વિના રસી લગાવવી દબાણ કરી શકાતું નથી.

કોરોનાના કપરા કાળમાં વેક્સિન, સોશિયલ ડિસ્ટસિંગ અને સાવચેતી એજ લડવાનો એક માત્ર રસ્તો છે. જો કે કોઇને વેક્સિન લેવા માટે બળજબરી કરી શકાય નહી. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ જણાવ્યું કે વેક્સિન લેવી કે કેમ તે વ્યક્તિની પોતાની પસંદગી છે તેના માટે દબાણ કરી શકાય નહી.

આ ઉપરાંત ગત 8 ઓક્ટોબરના રોજ મુંબઈ હાઈકોર્ટમાં દાખલ એક જવાબી સોગંદનામાના માધ્યમથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કોવિડ માટે વેક્સિનેશન સામાજીક જવાબદારીનો મુદ્દો છે અને તેને સાર્વજનિક હિતના સ્વરૂપમાં જોવું જોઈએ. કોરોના સંક્રમણની આ લડાઈમાં બધા જ લોકોએ એક જવાબદાર નાગરિક તરીકે વેક્સિન લેવી જોઈએ. જોકે તેનો કોઈ પણ રીતે એવો અર્થ નથી થતો કે, કોઈ પણ વ્યક્તિને તેની ઈચ્છા વિરૂદ્ધ વેક્સિન લેવા માટે મજબૂર કરી શકાય.

વેક્સીન સર્ટી ન્હોતુ એટલે બારીએથી રાશન કાર્ડનું કામ કરી આપવાની પણ સ્ટાફે ના પાડી!!

દક્ષિણ મામલતદારના ઝોનલની કરતૂત : અરજદારે ગુનો નોંધવાની માંગ સાથે માલવીયા પોલીસ સ્ટેશને કરી અરજી

વેક્સીન સર્ટી ન હોય તો કચેરીમાં પ્રવેશ બંધીનો પરિપત્ર છે. પણ રાજકોટમાં તો નિયમ પરિપત્રથી પણ એક સ્ટેપ ઉપર છે. રાજકોટના એક અરજદાર તેનો ભોગ બન્યો છે. અમિત પટેલ નામનો અરજદાર દક્ષિણ મામલતદાર કચેરીએ ઝોનલમાં રાશન કાર્ડના સુધારા માટે ગયો હતો.  ત્યારે તેને બહારના ભાગે બારીએથી પણ રાશન કાર્ડનું કામ કરવાની ના કહી દેવામાં આવી હતી. જેની પાછળનું કારણ એ હતું કે તેની પાસે વેકસીનના બન્ને ડોઝ લીધાનું સર્ટિફિકેટ ન હતું.

રાજકોટના અમિત પટેલ નામના વ્યક્તિએ બંધારણનો ઉલ્લેખ કરી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરી છે. રાજકોટના પ્રિયદર્શની સોસાયટીમાં રહેતા અમિતભાઇ પટેલ કે જેઓ પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનું કહેવું છે કે તેઓ રેશનકાર્ડના કામ બાબતે મામલતદાર કચેરી ખાતે ગયા હતા પરંતુ તેઓ નોન-વેક્સિનેટેડ હોવાથી તેમને પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો. અધિકારીએ વેક્સિન લેવા માટે સૂચન કર્યું હતું.જેની સામે તેઓ એ વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણને આગળ બતાવી ભારતમાં આવો કોઇ કાયદો ન હોવાનું જણાવ્યું હતું.

અમિતભાઇએ ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તેમાં તેમને જણાવ્યું હતું કે , ભારતના બંધારણ માં આવો કોઇ કાયદો નથી છતાં દક્ષિણ મામલતદાર કચેરી ખાતે અધિકારી મને બંધારણીય હક્કોથી વંચિત કરી છેતરપિંડી કરી જબરદસ્તી વેક્સિન લેવા સૂચન કરે છે. જેની સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ છે.ઉલ્લેખનીય છે કે આ સમયે તેઓએ પોલીસ કંટ્રોલ નંબર 100 પર ફોન કર્યો હતો જો કે તેમાં કોલ રિસીવ થયો ન હતો જેથી તેઓ રૂબરૂ માલવીયા નગર પોલીસ સ્ટેશન જઇ અરજી આપી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લોકો માને છે કે વેક્સીન ફરજીયાત આપવામાં આવી રહી છે : સર્વે

વેક્સિનેશન ડ્રાઈવ અંગે કરવામાં આવેલા એક કોમ્યુનિટી બેઝ્ડ ડિજિટલ સર્વેમાં એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વે પ્રમાણે દર 4માંથી 1 નાગરિકના કહેવા પ્રમાણે સ્થાનિક પ્રશાસન અને કંપનીઓએ કોવિડ વેક્સિનેશન ફરજીયાત કરી દીધું છે.

અનેક કાર્યાલયોમાં વેક્સિન ન લીધી હોય તેવા લોકોને પ્રવેશ નથી આપવામાં આવતો. સૌથી મહત્વની વાત તો એ છે કે, દેશમાં કોવિડ-19 વેક્સિનેશન સંપૂર્ણપણે સ્વૈચ્છિક રાખવામાં આવેલું છે.  દેશના 328 જિલ્લાઓના 36 હજાર લોકો પર કરવામાં આવેલા સર્વેમાં વેક્સિનેશનની અનિવાર્યતાની વાત સામે આવી છે. સર્વેમાં સામેલ 26 ટકા લોકોના કહેવા પ્રમાણે તેમના જિલ્લામાં સ્થાનિક પ્રશાસન દ્વારા વેક્સિન લેવાનું ફરજીયાત કરી દેવાયેલું છે.

અનેક ઓફિસમાં કર્મચારીઓને વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ પ્રવેશની મંજૂરી અપાય છે. એટલું જ નહીં, રાશન અને અન્ય સરકારી સુવિધાઓ માટે પણ વેક્સિનેશન સર્ટિફિકેટની માગણી કરવામાં આવી રહી છે. તે સિવાય અનેક જગ્યાઓએ ગેસ એજન્સી, પેટ્રોલ પંપ જેવી જગ્યાઓએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય તેમને જ સુવિધા આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

રાઈટ ટુ હેલ્થ કેર :  સારા સ્વાસ્થ અંગેનો નિર્ણય લોકો સ્વેચ્છાએ લઈ શકે છે

વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર સરકારના આદેશમાં તેની અનિવાર્યતા જેવો કોઈ જ ઉલ્લેખ નથી, મતલબ કે તે વ્યક્તિના વિવેક પર નિર્ભર કરે છે. જો કાયદાકીય રીતે જોઈએ તો પણ બંધારણની કલમ 21માં લોકોને ‘રાઈટ ટુ હેલ્થકેર’નો વિકલ્પ આપવામાં આવેલો છે જેના આધાર પર તેઓ પોતાના માટે સ્વેચ્છાએ વધુ સારા સ્વાસ્થ્ય વિકલ્પોની પસંદગી કરી શકે છે. તો એવામાં સવાલ થઈ રહ્યો છે કે, આખરે સામાન્ય લોકોને કેમ રસીના બન્ને ડોઝ લીધા વગર કચેરીઓમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે ? કંપનીઓના કર્મચારીઓને વેક્સિન લેવા માટે દબાણ શા માટે કરી રહી છે? કોરોનાથી બચવા માટે વેક્સિનેશન જરૂરી છે પરંતુ તે માટે લોકો પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે દબાણ બનાવવામાં આવે તે કેટલું યોગ્ય છે.

પરિપત્રને કોઈ કોર્ટને પડકારે તો સરકારને લપડાક લાગે તેમ છે સંજયભાઈ વ્યાસ ( એડવોકેટ)

રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ સંજયભાઈ વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં જણાવાયું છે કે વેક્સીન લેવા લોકો ઉપર કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી. ત્યારે વેક્સીનના ડોઝ ન લીધા હોય તેવા વ્યક્તિને સરકારી કચેરીઓમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવતો સરકારનો પરિપત્ર ગેરકાનૂની ગણાય છે. હવે આ પરિપત્રને કોઈ કોર્ટને પડકારે તો સરકારને લપડાક પડે તેમ છે. આખા ભારતમાં આ લાગુ પડે છે.

મોટાભાગના નેતાઓની કાયદાની આજ્ઞાનતા ચરમસીમાએ જીગ્નેશ જોશી (પ્રદેશ કોંગ્રેસ કન્વીનર)

પ્રદેશ કોંગ્રેસના કન્વીનર અને રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોટાભાગના નેતાઓ કાયદાની આજ્ઞાનતાની ચરમસીમાએ પહોંચ્યા છે. માત્ર ટાર્ગેટ અચિવ કરવા માટે ફતવાઓ બહાર પાડવામાં આવે છે.  વેક્સીન ન લીધી હોય તેવા લોકોની કોઈ પણ કચેરીમાં પ્રવેશબંધી, પ્લેન-બસમાં બેસવાની મનાઈ આવા કોઈ નિયમ ન ઘડી શકાય. વેક્સીન એ સ્વૈચ્છીક લેવાની હોય છે. રસીના મોટા બિલ બનાવી લક્ષ્યાંક સિદ્ધ કરવાનું આ કાવતરું હોય તેવું લાગી રહ્યું છે. કાયદાની દ્રષ્ટિએ આ પરિપત્ર ગેરકાયદે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.