- સગા ભત્રીજાએ જ ચોરીને અંજામ આપી સોનાનો હાર મુથુટ ફાયનાન્સમાં ગીરવે મૂકી લોન લઇ લીધી’તી
- ડોગએ ઘરમાં જ આંટા મારતા પોલીસની શંકા પાકી થઇ ગઈ : બે શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પખાવડીયા પૂર્વે એક ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જે મામલે બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસના જેક્સન ડોગની મદદ લેવામાં આવી હતી. ડોગને બનાવ સ્થળ કણકિયા પ્લોટ સ્થિત મકાનમાં લઇ જતાં તેણે ઘરમાં જ આંટા માર્યા રાખતા ચોરીને કોઈ જાણભેદુએ જ અંજામ આપ્યાની પોલીસને શંકા ગઈ હતી અને ત્યારબાદ ફરિયાદીના સગા ભત્રીજાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે સેલ્ફ ડ્રાઇવનો વ્યવસાય કરવા રૂ. 1.20 લાખના દાગીના ચોરી મુથુટ ફાયનાન્સમાં મિત્ર યુવરાજ મોયાની મદદથી ગીરવે મૂકી લોન લઇ લીધાની કબૂલાત આપતાં જેતપુર સીટી પોલીસે બંને શખ્સોંની ધરપકડ કરી લઇ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર શહેરના કણકિયા પ્લોટમાં ગત 2 જાન્યુઆરીના રોજ રહેણાંક મકાનમાંથી સોનાના હાર, બુટી સહીત કુલ રૂ. 1.20 લાખના દાગીનાની ચોરી થવા પામી હતી. જે બાદ પરિવારે ઘરમાં બધે શોધખોળ કરતા દાગીના નહિ મળી આવતા અંતે ગત 14મીએ જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે તસ્કરોને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસને આ ચોરી કોઈ જાણભેદુંએ જ કર્યાની આશંકા જતાં પોલીસના જેક્સન ડોગની મદદ લેવામાં આવી હતી.
જેતપુર સીટી પોલીસ જેક્સન ડોગને બનાવ સ્થળે લઇ ગઈ હતી. જ્યાં જેક્સન ડોગએ બનાવ સ્થળની ગંધ મેળવી લીધા બાદ ઘરમાં જ આટા માર્યા હતા જેથી પોલીસની શંકા પાકી થઇ ગઈ હતી અને પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. બાદમાં પોલીસે પરિજનોની આકરી પૂછપરછ આરંભી હતી. દરમિયાન ફરિયાદીના સગા ભત્રીજા વનરાજ મનસુખભાઇ સરવૈયાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા પોલીસ સામે ઘૂંટણીયે પડી જઈ વનરાજે કબૂલાત આપી હતી કે, કાકાના ઘરમાં ચોરીજે અંજામ આપી સોનાના દાગીના મિત્ર યુવરાજ મોયાને આપ્યા હતા. જે બાદ પોલીસે યુવરાજ પ્રતાપભાઈ મોયા(રહે. લાઠીયાવાડી, મામાદાદાના મંદિર પાસે, જેતપુર)ની ધરપકડ કરી લીધી હતી.
બાદમાં બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સોનાના દાગીના પૈકી સોનાનો હાર મુથુટ ફાયનાન્સમાં મૂકી ગોલ્ડ લોન કરાવી હતી. આરોપીઓએ વધુમાં કબૂલાત આપી હતી કે, વાહન સેલ્ફ ડ્રાંઇવમાં ભાડે આપવાનો વ્યવસાય કરવા માટે આ ચોરીને અંજામ આપી હતી. ઘરેણાંની ચોરી કરી, ગોલ્ડ લોન મેળવી લીધી હતી પણ આ રૂપિયા પોતે ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો. જે બાદ વનરાજએ ચોરી કરેલ દાગીના પૈકી સોનાની વીટી, કાનની બુટી તથા સઇરુ વેંચીને રૂપિયા મેળવી સેલ્ફ ડ્રાંઇવ પર કાર ભાડે મેળવી દીવ ખાતે મોજશોખ કરવા ગયાં હતા.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી સોનાનો હાર, બુટીઝં કાનસર સહીત કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં જેતપુર સીટી પોલીસના પીઆઈ એ ડી પરમાર, પીએસઆઈ વી સી પરમાર, એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વસૈયા લ, સાગરભાઈ મકવાણા, જયેશભાઈ દાફડા, શક્તિસિંહ ઝાલા, લાખુભા રાઠોડ, સાગરભાઈ ઝાપડીયા તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસના ડોગ હેન્ડલર હસમુખ સેગલિયા અને જેક્સન ડોગ રોકાયા હતા.