રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ઓરી-અછબડાનો સર્વે

અમદાવાદમાં એક સાથે ઓરી-અછબડાના 38 કેસ મળી આવતા

160 ફિમેલ વર્કર અને 350 આશાવર્કર સર્વેની કામગીરીમાં જોતરાય: બાળકોને ચામડી પર લાલ ચાંઠા, ફોડલા કે ખીલ જેવું લાગે તો નિદાન કરાવવા અપીલ

અમદાવાદમાં તાજેતરમાં ઓરી-અછબડાના એકસાથે 38 કેસ મળી આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મહાપાલિકા વિસ્તારમાં સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે આજે રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના 510 કર્મચારીઓ દ્વારા આજથી શહેરના તમામ 18 વોર્ડ અને 21 આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારોમાં યુદ્વના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હાલ રાજકોટમાં ઓરી-અછબડાના એક પણ કેસ નથી પરંતુ તકેદારીના ભાગરૂપે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં એક સાથે ઓરી-અછબડાના 38 કેસ મળી આવ્યા હતા. જેનાથી રાજ્યના આરોગ્ય વિભાગમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં બાળકોમાં ઓરી-અછબડોનો રોગચાળો ફાટી નથી નીકળ્યોને તે માટે સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. 9 માસથી લઇ 5 વર્ષ સુધીના બાળકને ઓરી કે અછબડા થાય છે. જો કોઇ બાળકે રસી ન લીધી હોય તો પાંચ થી લઇ 15 વર્ષની ઉંમર સુધી ઓરી કે અછબડાનો શિકાર બની શકે છે. આ માટે બાળકોને મિઝેલ્સ-રૂબેલા રસીના ત્રણ ડોઝ આપવા પડે છે. રાજ્ય સરકારની સૂચના બાદ આજથી રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના તમામ 18 વોર્ડ અને 21 આરોગ્ય કેન્દ્રો હેઠળ આવતા વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

160 ફિમેલ હેલ્થવર્કર અને 350 આશાવર્કરો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. જો કે હાલ શહેરમાં ઓરી કે અછબડાનો એકપણ કેસ ન હોય લોકોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી પરંતુ તકેદારીના ભાગરૂપે સરકારના આદેશના પગલે સર્વે કરવામાં આવી રહ્યો છે.

જો કોઇ બાળકોના શરીર પર લાલ ચાંઠા, ફોડલા કે ખીલ જોવા મળે તો તેને તાત્કાલીક આરોગ્યનું નિદાન કરાવવા માટે અપિલ કરવામાં આવી છે. સામાન્ય રીતે કુલ વસતીમાં 0 થી લઇ 5 વર્ષ સુધીના બાળકોની ટકાવારી 14 ટકા જેવી રહેતી હોય છે.

ડેન્ગ્યૂના વધુ 12 કેસ મળી આવ્યાં

છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના નવા 12 કેસ મળી આવ્યા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે મેલેરિયાનો એક અને ચિકન ગુનિયાનો પણ એક કેસ મળી આવ્યો હતો. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસના 212 કેસ, સામાન્ય તાવના 43 કેસ અને ઝાડા-ઉલ્ટીના 60 કેસ મળી આવ્યાં છે. રહેણાંક હેતુની 427 મિલકતધારકોને અને કોમર્શિયલ હેતુની 82 મિલકતધારકોને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી છે. ક્રમશ: શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.