કાલાવડમાં સલૂનની દુકાન હટાવવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી: બે ઘાયલ

અબતક રાજકોટ

કાલાવાડમાં સલૂનની દુકાન હટાવવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષે યુવાન અને પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડમાં આવેલી શીતળા કોલોનીમાં રહેતા સલુનના ધંધાર્થી હિતેશભાઈ જગદીશભાઈ લીંબાણી નામનો 36 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પ્રકાશ, ભાવેશ અને બાબુ સહિતના અજાણ્યા શખ્સોએ ઘરે આવી હિતેશ લીંબાણી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.

જ્યારે વળતા પ્રહારમાં બાબુભાઈ લખુભાઈ ઝિંઝુવાડીયા (ઉ.વ.55) ઉપર હિતેશ અને જગદીશ સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. બંને પક્ષે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા હિતેશ લીંબાણી અને બાબુભાઈ ઝિંઝુવાડીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે હિતેશ લીંબાણીની પ્રાથમિક પૂછપરછમાં નગરપાલિકાની જગ્યામાં હિતેશ લીંબાણી સલૂનની દુકાન ચલાવે છે જેથી હુમલાખોર શખ્સોએ દુકાન હટાવવા બાબતે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે આક્ષેપના પગલે કાલાવાડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે