આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ ધો.૧ થી ૫ના વર્ગો શરૂ કરાશે: શિક્ષણમંત્રી

અબતક, રાજકોટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ ખતમ થઈ ગઈ છે, ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે ધોરણ ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.કેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલા કોલેજ પછી ધોરણ ૧૦ થી ૧૨ અને ગત અઠવાડિયે ધોરણ ૬ થી ૮ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે.

વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ ૧ થી ૫ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે. આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ.

નર્મદા ડેમમાં પાણીના જથ્થા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો પુરતો છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે નર્મદા ડેમ ભરાઈ જાય, જેથી રાજ્યમાં પીવાના પાણીની કોઈને તકલીફ ના પડે.

ઉલ્લેખનીય છે કે, ગત ૨ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ ૬ થી ૮ માટે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જઘઙનું પાલન કરતાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.

અગાઉ ધોરણ ૯ થી ૧૧ના ઑફલાઈન વર્ગે ૨૬ જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ઑફ લાઈન ક્લાસ એટેન્ડ કરવા માંગતા હોય, તેમણે પોતાના માતા-પિતા પાસેથી સહમતિ પત્ર લઈને સ્કૂલમાં આવવું પડશે. આ સાથે જ સ્કૂલમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકાથી વધુ ના હોવી જોઈએ.