સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ જ શિક્ષણ માટે પહેલી અને સર્વાંગી જરૂરીયાત: રાજકોટ કલેક્ટર

રાજકોટ જિલ્લાની 38 શાળાઓને મળ્યો જિલ્લા કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર: જિલ્લામાં 2336 શાળાઓ વચ્ચે થઇ હતી સ્પર્ધા

રાજકોટ જિલ્લાની 38 શાળાઓને જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. રાજકોટ જિલ્લાની આશરે 2336 જેટલી શાળાઓએ આ સ્પર્ધામાં ઝુકાવ્યું હતું. જેમાં ઓવર ઓલ કેટેગરીમાં આઠ શાળાઓ જ્યારે સબ કેટેગરીમાં 30 શાળાઓ એવોર્ડ વિજેતા બની છે. આજે સાંજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં આ વિજેતા શાળાઓને મહાનુભાવોના હસ્તે રોકડ ઈનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાઈ હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 યોજવામાં આવ્યો હતો. કેન્દ્રના શિક્ષણ મંત્રાલય અંતર્ગત શાળા શિક્ષણ અને  સાક્ષરતા વિભાગ તેમજ સર્વ શિક્ષા અભિયાનના ઉપક્રમે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર બે વિભાગમાં તેમજ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. મુખ્ય છ શ્રેણીમાં શાળાઓએ પોતાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. જેમાં પાણી, શૌચાલય, સાબુથી હાથ ધોવા, સંચાલન અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતા નિર્માણ, કોવિડ-19ની પૂર્વ તૈયારી અને પ્રતિભાવ – આ કેટેગરીમાં વિવિધ મુદ્દા અને માર્કિંગના આધારે શાળાનું મૂલ્યાંકન થાય છે. જેમાં પ્રથમ ક્રમાંકે આવનારી શાળાને રૂપિયા 15 હજાર, દ્વિતીય ક્રમાંકની શાળાને રૂપિયા 12 હજાર તથા તૃતીય ક્રમાંકની શાળાને રૂપિયા 10 હજાર એમ 10 નંબર સુધીની શાળાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 2336 શાળાઓએ આ પુરસ્કાર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાં જિલ્લામાં ઓવરઓલ કેટેગરીમાં કુલ છ શાળા આ પુરસ્કાર માટે વિજેતા થઈ છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દેવડાની પ્રાથમિક શાળા જ્યારે શહેરી વિસ્તારમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર-85 પ્રથમ ક્રમે આવી છે. જ્યારે 30 શાળાઓ સબ કેટેગરીમાં વિજેતા બની છે.

આ તમામ શાળાઓને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકાર બી.એસ. કૈલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલાળા, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય મીનાક્ષીબહેન, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાણવી વગેરે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયું હતું. આ શાળાઓને હવે રાજ્યકક્ષાએ નોમિનેટ કરાશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બાળકોમાં સ્વચ્છતાના મૂલ્ય ઘડતર થકી દેશ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાળક શાળા સ્વચ્છ રાખશે તો ભવિષ્યમાં દેશ પણ સ્વચ્છ રાખશે. આ સાથે તેમણે સ્વચ્છ ભારત અભિયાનની વિશાળ પરિકલ્પના પણ સ્પષ્ટ કરી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું કે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારનો પ્રારંભ થયો છે. સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ એ શિક્ષણ માટે પહેલી સર્વાંગી જરૂરિયાત છે.