Abtak Media Google News

અબતક-રાજકોટ

ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા નજીક સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન સાથે લો-પ્રેશર પણ સક્રિય છે. જેની લાઇન દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર પરથી પસાર થઇ રહી હોવાના કારણે ગુજરાતમાં બે દિવસ કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઇકાલથી રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો નોંધાયો છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠુ પડ્યું હતું. જેના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લામાં કમૌસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સવારથી રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાના 19 તાલુકાઓમાં ઝાંપડાથી અડધો ઇંચ સુધી કમૌસમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. જેના કારણે શિયાળુ પાકને નુકશાની થવા પામી છે.

ગઇકાલ સવારથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. વાદળછાંયા વાતાવરણના કારણે ઠંડીનું જોર વધ્યું છે. ગઇકાલે રાત્રે રાજકોટમાં અમુક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડ્યા હતા. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં સવારે ધીમીધારે વરસાદ પડતા રાજમાર્ગો પલળી ગયા હતા. જૂનાગઢના કેશોદમાં પણ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલ અરબી સમુદ્રમાં ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય થયું છે. જેનો એક છેડો દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર સુધી લંબાયેલો હોવાના કારણે સૌરાષ્ટ્રમાં શિયાળાના આરંભે કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. આજે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

સવારથી રાજકોટ અને જુનાગઢના કેશોદમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરના દેહગામમાં સવારે વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારે વરસાદ વરસ્યો હતો. મહેસાણાના પણ અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. અરવલ્લીમાં વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદથી જગતાતની માઠી બેઠી છે.

અગાઉ ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિના કારણે પારાવાર નુકશાની વેઠનાર જગતાતે હવે કમૌસમી વરસાદમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ પડતા મગફળી, જીરૂ, કપાસ અને ચણાના પાકને નુકશાન થવા પામી છે. શિયાળુ પાકના વાવેતરને પણ અસર થવા પામી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશન અને લો-પ્રેશરની અસર આવતીકાલે પણ જોવા મળશે. કાલે પણ દક્ષિણ ગુજરાત ઉપરાંત દમણ દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહિસાગર, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કમૌસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં પણ મગફળીની ધૂમ આવકને કમૌસમી વરસાદથી મગફળીને પલળતી બચાવવા ખેડૂતો તથા વેપારીઓએ ભારે મથામણ કરવી પડી હતી. ગઈકાલે સાંજથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભેજ વાળા વાતાવરણથી અને વરસાદી ઝાપટા વચ્ચે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે વેચવા માટે આવેલા ખેડૂતોનો માલ સુરક્ષિત જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં અન્ય શાકભાજી ડુંગળી બટાકા કે જે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત માલ વેચવામાં આવે છે તે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

જે અન્વયે ખેડુતોએ પોતાનો ઉત્પાદીત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવુ તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા તથા ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ બે દિવસ માટે તંત્રે વ્યક્ત કરી છે સાવચેતીના ભાગરૂપે જાહેરનામા પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે અને સૂચના પણ આપવામાં આવી છે જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવા તંત્રે આદેશ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.