ઠંડીનું જોર વધતા સકકરબાગ ઝૂના પાંજરાને કપડાનો ઓથ

માંસાહારી પ્રાણીઓ માટે હિટર અને સરી સૃપ પ્રાણીઓના પાંજરામાં બલ્બની વ્યવસ્થા

જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી-પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સાથો સાથ તેમના ખોરાકમાં પણ વધારો કરાયો છે.  હાલની ઠંડી ઋતુ ને ધ્યાને લઈને સક્કરબાગ ઝુ સત્તાવાળાઓ દ્વારા પક્ષીઓના પાંજરાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓ માટે સુકા ઘાસનો બેડ બનાવી અપાયો છે અને માંસાહારી પ્રાણીઓને ઠંડીથી બચવા માટે હિટર પણ મુકવામાં આવ્યા છે. તેમજ સરીસૃપ પ્રાણીઓ બલ્બ મુકવામાં આવ્યા છે જેથી કડકડતી ઠંડીથી પ્રાણી, પક્ષીઓને રક્ષીત કરી શકાય.

સક્કર બાગ ઝૂના આરએફઓ મકવાણાના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં માંસાહારી પ્રાણી જેવા કે, સિંહ, વાઘ, દિપડા, ઝરખ, શિયાળ, જંગલી કુતરા, બિલાડી અને કેરાકલ સહિતના પ્રાણીઓના ખોરાકમાં વધારો કરાયો છે. તે ઉપરાંત ઝૂના તમામ પ્રાણી-પક્ષીના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં સિંહને ૮ કિલો માંસ અપાય છે જ્યારે હવે શિયાળામાં તેના ખોરાકમાં વધારો કરી ૧૦ કિલો માંસ આપવામાં આવે છે.

ધારીમાં ઠંડીએ જોર પકડયું: તાપમાન ૧૦ ડિગ્રી

શિયાળાની સીઝન જામી ગઇ છે ત્યારે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીએ જોર પકડયું છે. ધારીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપમાન માત્ર ૧૦ ડીગ્રીએ પહોચતા લોકોને કુદરતી હીટર તાપણાનો સહારો લેવો પડયો હતો. ધારી નજીક આવેલ ખોડીયાર ડેમ અને ગીર કાંઠાના કારણે શહેરમાં પણ મોખરે છે.