ગુજરાતમાં મેઘ મુકામ: 219 તાલુકાઓમાં વરસાદ

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 32 જિલ્લાઓમાં મેઘકૃપા સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને હેત વરસાવી રહ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાઓના 219 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પડ્યો છે. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને હેત વરસાવી રહ્યા છે. પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલું લો-પ્રેશર, ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયા કિનારે ઓફશોર ટ્રફ અને મોનસૂન નોર્મલ દિશાથી દક્ષિણ તરફ હોવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

ગઇકાલે ગુજરાતમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી હતી. હજી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય, અષાઢમાં અનારાધાર હેત વરસાવી મેઘરાજા જૂન માસની ખાધ પૂરી કરી દે તેવું લાગી રહ્યું છે. ગઇકાલે સવારથી મેઘાવી માહોલ બાદ રાજ્યભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધ્યું હતું. બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 219 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જો કે આજે સવારથી સુત્રાપાડામાં અનારાધાર હેત વરસાવી રહ્યા છે.

જૂન માસમાં રાજ્યમાં સરેરાશ 64.22 મીમી વરસાદ પડ્યો હતો. જેની સામે જુલાઇ માસના પ્રથમ પાંચ દિવસમાં જ રાજ્યમાં 94.37 મીમી વરસાદ વરસી ગયો છે. કાલે સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધુ રહ્યું હતું. કચ્છમાં પણ હળવા ઝાપટાથી લઇ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં હળવા ઝાપટાથી લઇ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઇ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ ઝાપટાથી લઇ સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને સવારથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટાથી લઇ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં મોસમનો કુલ 18.65 ટકા વરસાદ વરસી ગયો હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

  • રાજ્યના 40 તાલુકાઓ હજી વાવણીલાયક વરસાદની વાટમાં!
  • સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં સિઝનનો 4 ઇંચથી ઓછો વરસાદ: જગતાત ચિંતિત

મેઘરાજાએ અષાઢમાં અનારાધાર હેત વરસાવવાનું શરૂ કર્યું છે પરંતુ આજની તારીખે રાજ્યના 250 પૈકી 40 તાલુકાઓ એવા છે કે જ્યાં સિઝનનો બે ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે 8 તાલુકામાં 20 ઇંચ પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં 100 મીમી અર્થાત 4 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. જો કે આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે આ તમામ તાલુકાઓમાં વરસાદની

ખાધ પૂરી થઇ જાય તેવા ઉજળા સંજોગો વર્તાઇ રહ્યાં છે. રાજ્યના 92 તાલુકાઓમાં પાંચ ઇંચ સુધી, 79 તાલુકાઓમાં 10 ઇંચ સુધી, 32 તાલુકાઓમાં 20 ઇંચ સુધી અને 8 તાલુકામાં 20 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, હળવદ, માળીયા મીંયાણા, મોરબી, વાંકાનેર, જોડીયા, જાફરાબાદ, રાજુલા, ઘોઘા, પાલીતાણા, સિંહોર, તળાજા, ઉંમરાડા, બોટાદ અને રાણપુર તાલુકામાં 4 ઇંચથી ઓછો એટલે કે વાવણી લાયક વરસાદ પડ્યો નથી. જો કે આ એકપણ તાલુકાના જગતાતે ચિંતા કરવાની કોઇ આવશ્યકતા નથી કારણ કે આગામી શનિવાર સુધીમાં તમામ તાલુકાઓમાં વરસાદની ખાધ પૂરી થઇ જશે.

  • ભારે વરસાદને પગલે સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફની ટીમ તૈનાત

રાજ્યના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં છવાયેલા વરસાદી માહોલમાં સંભવિત વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ વરસવાની શકયતા દર્શાવતી આગાહી કરી છે. તો આવી કપરી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ગઉછઋની એક ટીમને સોમનાથ ખાતે મોકલી સ્ટેન્ડ બાય રાખી છે. તો ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બની આગોતરી તૈયારી કરી છે. તો જિલ્લા કલેક્ટરએ જિલ્લા કરાયેલ ડિઝાસ્ટર અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચના આપી છે.

સૌરાષ્ટ્રમાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં આગામી દિવસોમાં તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે રાજય

સરકાર સાથે જે તે જિલ્લાઓનું વહીવટી તંત્ર પણ સતર્ક બન્યુ છે. જેમાં લાંબો સમુદ્ર કાંઠો ધરાવતા ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ બની સતર્કતાના પગલા ભરી રહ્યુ છે. જેની સમીક્ષા ખુદ કલેક્ટરએ કરી છે. જે અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલએ મિડીયાને જણાવેલ કે, હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી લઈ રાજય સરકારે ગીર સોમનાથ જિલ્લામાં 25 જવાનો સાથેની એક ગઉછઋ ની ટીમ તૈનાત કરી છે. જે ટીમ અત્રે પોતાના અત્યાધુનિક સાધનો-વાહનો સાથે આવી ગઈ છે. હાલ સોમનાથ બાયપાસ રોડ ઉપરના સેલ્ટર હોમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 23.11 ટકા અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 11.76 ટકા વરસાદ

કચ્છ રિજીયનમાં સીઝનનો 17.82 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.87 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21.49 ટકા જેટલો વરસાદ: જૂન માસમાં સરેરાશ 62.22 મીમી વરસાદ વરસ્યો હતો. જૂન માસની ખાધ મેઘરાજાએ જુલાઇ માસમાં પૂરી કરી દેવાનું જાણે મન બનાવી લીધુ હોય તેમ જુલાઇ માસના પ્રથમ પાંચ દિવસમાં જ 94.37 જેટલો વરસાદ વરસી ગયો છે. હજી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યને અલગ-અલગ પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.

જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ 23.11 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ-મધ્ય ઝોનમાં 11.76 ટકા વરસાદ પડ્યો છે. કચ્છ રિજીયનમાં 17.82 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.87 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21.49 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. 1992થી લઇ 2021 સુધીના વર્ષમાં રાજ્યમાં સરેરાશ 850 મીમી વરસાદ ચોમાસાની સિઝન દરમિયાન પડે છે. આજ સુધીમાં 158.59 ટકા વરસાદ વરસી ગયો છે. સિઝનનો કુલ 18.65 ટકા વરસાદ રાજ્યમાં પડી ગયો છે.