Abtak Media Google News

11 માસના કરાર પર મહિને રૂ.40 હજાર આપવા અગાઉ જાહેરાત અપાઇ હતી: અનુસુચિત સમાજના આગેવાનોએ અનામતનો અમલ કરવાની ઉગ્ર રજૂઆત કરી અને અમલ ન થાય તો વિરોધ પ્રદર્શન-દેખાવની ચીમકી આપતા તાકીદે નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતીમાં અનામત નિતીનું પાલન ન થતાં શહેર એનએસયુઆઇ દ્વારા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગમાં પત્ર લખી 8 અને 9 જૂનની યોજાનારી ઇન્ટરવ્યૂ રદ કરવાની માંગ કરી હતી. જે અંગે આજે અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ભીમાણીએ તાકીદે નિર્ણય કરવો પડ્યો હતો અને 11 માસને બદલે હવે કરાર આધારિત અધ્યાપકોની ભરતી માત્ર 45 દિવસ માટે જ કરાશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લાં બે વર્ષથી અનેક વાદ-વિવાદોમાં ચાલી રહી છે ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીનું ભોપાળુ સામે આવ્યું છે. યુનિવર્સિટીના અણધણ વહિવટને કારણે કરારી અધ્યાપકોને હવે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. શહેર એનએસયુઆઇ દ્વારા અગાઉ અનુસુચિત જાતિ આયોગમાં પત્ર લખીને ઇન્ટરવ્યૂ રદ્ કરવાની માંગ કરી હતી. ત્યારે આજે યોજાનારા ઇન્ટરવ્યૂમાં અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા કુલપતિ ડો.ગીરીશ ભીમાણીને ઇન્ટરવ્યૂ રદ્ કરવાની માંગણી કરવામાં આવી હતી અને જો અનામતનો અમલ ન થાય તો ઉગ્ર રજૂઆત તેમજ વિરોધ પ્રદર્શન અને દેખાવોની ચીમકી પણ આપી હતી. જેને પગલે કુલપતિ દ્વારા તાકીદે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ભરતી માત્ર 45 દિવસ માટે જ થશે.

અગાઉ શહેર એનએસયુઆઇ દ્વારા કરેલી રજૂઆત સફળ રહી છે. આજે અનુસુચિત જાતિના આગેવાનો વશરામ સાગઠીયા, સુનિલ જાદવ અને નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો કુલપતિ સમક્ષ રજૂઆત માટે આવ્યા હતા અને અનામતની માંગ કરી હતી. આખરે કુલપતિએ આ માંગ સ્વિકારવી પડી હતી.

45 દિવસ બાદ અનામતના અમલ સાથે ભરતી માટેની નવી જાહેરાત કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બે દિવસ માટે કરાર અધ્યાપકોના ઇન્ટરવ્યૂ શરૂ થયા હતા. જો કે, શહેર એનએસયુઆઇ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ ઇન્ટરવ્યૂ રદ્ કરવામાં આવે અને અનામત દાખલ કરવામાં આવે ત્યારે આજે ફરીવાર અનુસુચિત જાતિના આગેવાનોએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે 11 માસના કરારી અધ્યાપકો માટે હવે 45 દિવસની જ ભરતી કરાશે. હવે નાછૂટકે યુનિવર્સિટીએ 45 દિવસ બાદ અનામતના અમલ સાથે નવી ભરતીની જાહેરાત આપવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.