ચૂંટણી પૂર્વે અણઘડ જાહેરાત રાજ્યના અર્થતંત્રને જોખમમાં મૂકી શકે છે!!

પંજાબમાં તો જોવા જેવી થઇ, લોન માફ થઈ જશે તેવો ખેડૂતોને આંધળો વિશ્વાસ

ચૂંટણી પૂર્વે અણધણ જાહેરાત રાજ્યના અર્થતંત્રને જોખમમાં મૂકી શકે છે. મતદારોને રીઝવવા માટે ગમે તેવી જાહેરાતો કરીને તેને પરિપૂર્ણ કરવાના રાજકીય પક્ષોના પ્રયાસો ઘણી વખત અર્થતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

પાંચ રાજયોની ચૂંટણીમાં મતદારોને રીઝવવા રાજકીય નેતાઓની વિચિત્ર જાહેરાતો શરૂ થઈ ગઈ છે. મત માટે નેતાઓ અર્થતંત્રની ઊંઘેપડ દઈ રહ્યા છે. જેને કારણે ચૂંટણી બજેટની ઐસીતેસી કરી નાખે તેવા અણસારો મળી રહ્યા છે.  સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે તમામ પ્રકારના વચનો આપ્યા હતા.  આ દરમિયાન તેમણે ખેડૂત નેતા તજિન્દર વિર્ક દ્વારા લાવેલા ઘઉં-ચોખા લઈને પ્રતિજ્ઞા લીધી અને કહ્યું, ’અમે ખેડૂતોને તમામ પાક પર ન્યૂનતમ ટેકાના ભાવ, સિંચાઈ માટે મફત વીજળી, વ્યાજમુક્ત લોન અને વીમો અને પેન્શન આપીશું. હવે સપાને ખરેખર ખેડૂતોને સક્ષમ બનાવવા છે કે કાખઘોડી પકડાવી છે તેના ઉપર પ્રશ્ન સર્જાયો છે.

હદ તો પંજાબમાં થઈ છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણીથી બેંકો ડરી રહી છે.  બેંકોનો આ ડર પટિયાલા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા સામે આવ્યો છે.  સોમવારે સુપ્રીમ કોર્ટને બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખેડૂત બેંકો પાસેથી લીધેલી લોન પરત કરી રહ્યો નથી, કારણ કે તેમને આશા છે કે ચૂંટણી પછી સત્તામાં આવેલી સરકાર તેમની લોન માફ કરશે. ખેડૂતોને ચૂંટણી સંદર્ભે સરકાર ઉપર આંધળો વિશ્વાસ છે કે સરકાર તેમની લોન માફ કરી દેશે. આ ભરોસાના કારણે ખેડૂતો લોન ભરપાઈ કરવાનું ટાળી રહ્યા છે.