Abtak Media Google News

નાનામવા ચોકડી, રામાપીર ચોકડી, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી અને ઉમિયા ચોક ખાતે બનશે બ્રિજ: ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂા.૧૪૪.૫૪ કરોડ મંજુર કરાયા

શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળોએ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. બ્રિજનાં નિર્માણ માટે રૂા.૩૭૬ કરોડ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને દરખાસ્ત સ્વરૂપે મોકલવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. શહેરમાં અલગ-અલગ પાંચ બ્રિજ બનાવવા માટે રૂા.૨૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂા.૧૪૪.૫૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, નુતન વર્ષ ૨૦૨૦નાં આરંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી સુખાકારી અને સુવિધા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાને રૂા.૧૮૮૮ કરોડ વિકાસ કામો માટે ફાળવવા સૈઘ્ધાંતિક મંજુરી આપી છે. રાજકોટ શહેરમાં અલગ-અલગ સ્થળોએ બ્રિજ બનાવવા માટે રૂા.૩૭૬ કરોડ ફાળવવા તાજેતરમાં રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ નાનામવા ચોકડી, રામાપીર ચોકડી, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી અને ઉમિયા ચોક પાસે ઓવરબ્રિજ બનાવવા રૂા.૨૩૦ કરોડની ફાળવણી કરી છે.  આ ઉપરાંત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂા.૧૪૪.૫૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આભાર માનતા વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે શહેરનાં રસ્તાઓને ફરીથી ડામરથી મઢી દેવા મુખ્યમંત્રી દ્વારા રૂા.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. શહેરનાં વિકાસમાં રાજય સરકારનો સતત આર્થિક સહયોગ મળી રહ્યો છે. હાલ આમ્રપાલી રેલવે ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાનું અને હોસ્પિટલ ચોકમાં ટ્રાએન્ગલ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. શહેરમાં વધુ પાંચ સ્થળે ઓવરબ્રિજ બનાવવા માટે રાજય સરકાર દ્વારા રૂા.૨૩૦ કરોડ મંજુર કરવામાં આવતા હવે ટુંક સમયમાં  ક્નસલ્ટન્ટની નિમણુક કરવા અને ટેન્ડર પ્રસિઘ્ધ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનગરના નાલા પાસે પણ બ્રિજ બનાવવા માટે મહાપાલિકાએ રેલવે વિભાગમાં રૂા.૨૫ કરોડ જમા કરાવી દીધા છે જેનું કામ પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.