- રાજ્યના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી
- વીજબિલ ખર્ચમાં ઘટાડા સાથે નગર પાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહિત કરવા વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. 45.37 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં 63 નગરપાલિકાઓને 136 સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. 114.34 કરોડ મંજૂર કર્યા
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય ફાળવાઈ
નગરપાલિકાઓ પોતાના એસ.ટી.પી., ડબ્લ્યુ.ટી.પી., પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો ઉદાત હેતુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી વિસ્તારવાનો પર્યાવરણ-પ્રિય નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગથી વીજબિલમાં ઘટાડો કરવા સાથે તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી નગરપાલિકાઓને સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફંડ ફાળવવાનું સુનિશ્ચિત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યની નગરપાલિકાઓ પોતાના વિસ્તારોના સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પંપિગ સ્ટેશન્સ અને વોટર વર્ક્સ તેમ જ નગરપાલિકાઓના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તદઅનુસાર,મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં રાજ્યની 63 નગરપાલિકાઓને 136 સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. 114.34 કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિ રાજ્યની ૫૫ નગરપાલિકાઓએ 97 સ્થળો પર આવી કામગીરી પૂર્ણ કરી લીધી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુને વધુ નગરપાલિકાઓ આવા સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને પોતે સોલાર એનર્જી જનરેશન અને તેના ઉપયોગથી વીજબિલ ખર્ચ ઘટાડી શકે અને આત્મનિર્ભર બને તેવા અભિગમને વ્યાપક બનાવવાની નેમ રાખી છે.
તેમણે આ માટે રાજ્યની વધુ ૩૨ નગરપાલિકાઓને 60 સ્થળો પર કુલ 6.7 મેગાવોટના સોલાર પ્લાન્ટ સ્થાપવા રૂ. 45.37 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલોમાં અંદાજે 50 ટકા સુધીની બચત થઈ શકશે એવો અંદાજ છે.