Abtak Media Google News

સુરત સર્કિટ હાઉસ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સંયુકત પત્રકાર પરિષદ યોજાઇ હતી. પરિષદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં માનનીય નાણામંત્રી નિર્મલા સિતારમણજીએ અનેક યોજનાઓ જાહેરાત કરી હતી આ પૈકી દમણ-ગંગા-પાર-તાપી નર્મદા લિંક યોજના જાહેર કરવામાં આવી હતી.

આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતને ધ્યાનમાં રાખી આ યોજનાની જાહેરત કરવામાં આવી હતી. ઉપરોકત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોને કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઇ-બહેનો ના હિતમાં નથી તેવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્રની સરકાર અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર આદિવાસી ભાઇ-બહેનોના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મુકે છે અને તેનો લાભ મોટા પ્રમાણમાં આદિવાસી ભાઇ-બહેનોને મળે તેવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આ યોજના અંગે આદિવાસી ભાઇ-બહેનોને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા જેથી આ યોજના અંગે આદિવાસી ભાઇ-બહેનોએ નારાજગી દર્શાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યાર પછી યોજના જાહેર કરવામાં આવે છે ત્યાર બાદ સંબધિત રાજય સરકારની મંજૂરી પછી યોજનાનું કામ આગળ વઘે છે.

આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ગુજરાત સરકારનો નિર્ણય છે કે આ યોજના કોઇ પણ સંજોગોમાં આગળ વઘારવામાં નહી આવે. આ યોજના સંદર્ભે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સિતારમણ તથા રાજયના આદિવાસી વિભાગના મંત્રીઓ,ધારાસભ્યોઓ,સાંસદઓની બેઠકમાં આ યોજના રદ કરવા અંગે સહમતી આપવામાં આવી છે. આદિવાસી ભાઇ-બહેનોની લાગણીને માન આપીને દમણ ગંગા-પાર-તાપી નર્મદા લિંક યોજનાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના મંત્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.