Abtak Media Google News
  • મુખ્યમંત્રીની મુલાકાત લેતા કેનેડાના કોન્સ્યુલ જનરલ
  • કેનેડા-ગુજરાત વચ્ચે શિક્ષણ-ઇન્વેસ્ટમેન્ટ-ગ્રીન કલીન ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહભાગીતાની તકો અંગે પરામર્શ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કેનેડાના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ  દિરાહ કેલી એ ગાંધીનગરમાં લીધી હતી. કેનેડા-ભારત અને ગુજરાત વચ્ચેના પરસ્પર ઉષ્માપૂર્ણ સંબંધો અને ખાસ કરીને શિક્ષણ, ઔદ્યોગિક રોકાણો તેમજ ગ્રીન એન્વાયરમેન્ટ, કલીનટેક જેવા વિષયોમાં સહભાગીતાની તકો વિશે આ બેઠકમાં ફળદાયી પરામર્શ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીતમાં કોન્સ્યુલ જનરલ  કેલીએ જણાવ્યું કે કેનેડાએ ઓટોમોટિવ, કલીન ટેક-રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, લાઇફ સાયન્સીસ જેવા સેક્ટર્સમાં બહુવિધ તકો પર ધ્યાન કેન્દ્રીત કરીને અમદાવાદમાં એક ટ્રેડ કમિશનર સર્વિસ ઓફિસ શરૂ કરી છે તેને રાજ્ય સરકાર દ્વારા  મળી રહેલા સહયોગની તેમણે પ્રસંશા કરી હતી.

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ આ મુલાકાત બેઠક દરમિયાન કર્યો હતો* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, ભારતના ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી ગેટ-વે અને વિશ્વકક્ષાની માળખાકીય સુવિધા ધરાવતાં ગિફટ સિટીમાં કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને કેનેડીયન પેન્શન ફંડ માટે વિશાળ તકો રહેલી છે*

તેમણે કેનેડાની આ ક્ષેત્રની સંસ્થાઓને ગિફટ સિટીમાં રોકાણો માટે આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. એટલું જ નહિ, કેનેડીયન કંપનીઓને કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ઉપરાંત ગ્રીન એનર્જી માટે સોલાર, વીન્ડ, ગ્રીડ ઇન્ટીગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજી વગેરેમાં સંશોધન તેમજ નવિનતા માટે ગુજરાતમાં રોકાણની તકો અંગે પણ સંભાવનાઓ ચકાસવા મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સૂચન કર્યુ હતું. કેનેડાના ઉદ્યોગોની વેસ્ટ વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અને સ્લમ એરિયામાં રિસાયકલ્ડ વોટરના પ્રોજેક્ટ વિશેની જાણકારી પણ કેનેડાના કોન્સ્યુલ જનરલે આ બેઠકમાં આપી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  કેલી ને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે આપતાં વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમા  સ્ટેચ્યુ ઓફ યુનિટિની અવશ્ય મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગ વિભાગના કાર્યકારી અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને અધિકારીઓ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.