રાજ્યની દરેક શાળા શિક્ષક અને વિધાર્થી પર CM રૂપાણી રખાશે નજર, અધ્યતન ટેક્નોલોજી સાથે શરૂ થયું આ ભવન

કોરોના સંક્રમણથી છેલ્લા દોઢ વર્ષ થયા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. આ ઓનલાઇન અભ્યાસમાં નવી ટેક્નોલોજી ઉમેરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નવા ભવનનું લોકાપર્ણ કર્યું છે. જેમાં વિધાર્થીઓના અભ્યાસથી લઈ મોનીટરીંગ સુધી સંપૂર્ણ બાબતની કાળજી રખાશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના ભવનનું લોકાપર્ણ કરવામાં આવ્યું.
આ નવા ભવનનું વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓન લાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા ભવનના લોકાપર્ણમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

 રાજ્યએ મુખ્યમંત્રી રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ધ્યાન આપ્યું છે. જેમાં મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ નો સમાવેશ થાય છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 કરોડ વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. આ બધી બાબતનું ધ્યાન રાખીને નવા બિલ્ડિંગને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકાશે. આ સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય, તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં ઉપલબ્ધ કરાય છે.

આ પ્રોજેકટ અન્વયે ધોરણ-1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 12ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે. ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રીના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-1 થી 10ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે 10 જૂનથી 10 જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે.

કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો થયો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન કરવાથી તે વધુ દ્રઢ બનશે. તે આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને તે ધો-1 થી 10ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે. એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી 10 જૂનથી 10 જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સાથે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.