Abtak Media Google News

યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ અભિયાન સાચા અર્થમાં જન અભિયાન બની ગયું – મુખ્યમંત્રી

કોરોનાની મહામારીમાં યોગ કરીને નિરાશાને દૂર રાખી શકાય છે.

રોગ પ્રતિકારક શકિત વધારવામાં યોગ પ્રાણાયામ મહત્વના છે

સૌ સ્વસ્થ રહીશું, સક્ષમ બનીશું, તો સમાજ અને આપણું ગુજરાત પણ પ્રગતિના પંથે આ જ રીતે આગળ વધતું રહેશે
સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, યોગ સાધકો, ડોક્ટરો, યોગ એમ્બેસેડરો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી યોગ પ્રતિ જાગૃતિ જગાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૌનૌ આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ અભિયાન ને જે અસાધારણ પ્રતિસાદ સાડા છ કરોડ ગુજરાતીઓ એ આપ્યો તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયું છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સ્વાસ્થ્ય એક મૂલ્યવાન મૂડી છે અને સંપતિ છે. જેને સાચવવી અને એમાં વધારો કરવો એ સૌની જવાબદારી તો છે જ અને સાચવી રાખવામા સાચી સમજદારી પણ છે.

યોગ એ સર્વાંગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટેનું સમાધાન છે. ત્યારે યોગથી તન, મન અને ચિત્ત સ્વસ્થ્ રહે છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી એ પોતાના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ એફ.બી પરથી યોગ દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને પ્રેરણા સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતના યોગનો આ પ્રાચીન વારસો હવે વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યો છે તે સૌ માટે આનંદ અને ગર્વની વાત છે.

ગુજરાત માટે વિશેષ આનંદ એટલા માટે છે કેમ કે ગુજરાતનાં પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી UNમાં યોગનો સમાવેશ થયો છે.અને દર વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વ આખું ઉજવે છે.

મુખ્યમંત્રીએ યુવાઓને સંદેશ આપતા જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં આજની યુવા પેઢી યોગ કરીને નિરાશાને દૂર રાખી શકે છે. જીવન એ બહુમૂલ્ય છે, સંભાવનાઓથી ભરપૂર છે. મનુષ્ય તરીકે આપણી અંદર અપાર શક્તિનો ખજાનો છુપાયેલો છે ત્યારે યોગથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે જ એ નિરાશાનો પ્રતિકાર પણ થાય છે અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે એમ તેમણે કહ્યું હતું.

આપણે સૌ સ્વસ્થ રહીશું, સક્ષમ બનીશું, તો આપણો સમાજ અને આપણું ગુજરાત પણ પ્રગતિના પંથે આ જ રીતે આગળ વધતું રહેશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિશ્વ વ્યાપી કોરોનાની મહામારી ના આ કપરા સમયમાં યોગનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જીવનમાં સંઘર્ષો તો રહેવાના અને પડકારો પણ આવશે. ત્યારે આ પરિસ્થિતીમાં યોગ એ ફળદાયી નીવડે છે. મનની શક્તિ, આત્મવિશ્વાસ અને આત્મબળ તમને નકારાત્મક વિચારોથી અને નિરાશાથી દૂર રાખશે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, યોગ અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામિ રામદેવજી, રવિશંકરજી, પૂજ્યૂ સદગુરુજી અને લગભગ 20 જેટલા લોકોએ પ્રતિદિન એક સપ્તાહ સુધી યોગ, પ્રાણાયામ અને ધ્યાન વિષે ખુબજ લાભદાયક વાતો કરીને અને જાણકારી આપી હતી. ત્યારે આવનારા સમયમાં આ માહિતી સૌના સ્વસ્થ્ય જીવન માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, યોગ સાધકો, ડોક્ટરો અને રેડિયો પર યોગ એમ્બેસેડરો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી યોગ પ્રતિ જાગૃતિ જગાવવામાં આવી તે બદલ મુખ્યમંત્રીશ્રીએ સૌનૌ આભાર વ્યક્ત કર્યો હતો.

યોગ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવવા ગુજરાત સરકારે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ની સ્થાપના કરી છે, જેથી ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ યોગથી લાભન્વિત થશે. આ યોગ બોર્ડ 365 દિવસ એટ્લે કે પ્રતિ દિન સવાર અને સાંજ ઓનલાઈન યોગનું પ્રશિક્ષણ આપશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.