Abtak Media Google News

અદાણીએ વધુ એકવાર સીએનજીના ભાવમાં રૂા.1.63 અને પીએનજીના ભાવમાં રૂા.70નો વધારો ઝીંક્યો હવે ગુજરાત ગેસ પણ ભાવ વધારાની વેતરણમાં

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે હવે વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે. જો કે સરકાર સીએનજી સંચાલીત વાહન ચાલકોને પણ ભાવ વધારાની ચુંગાલમાંથી છટકવા દેવા માંગતી નથી. ટૂંક સમયમાં સીએનજીના ભાવમાં 3 થી 4 રૂપિયાનો તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવે તેવી દહેશત વર્તાય રહી છે. અદાણી ગેસ દ્વારા વધુ એકવાર સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ બેરલના ભાવમાં સતત થઇ રહેલા વધારાના કારણે ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા સુરજ ઉગેને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ વધારો કરાયો નથી. સતત વધી રહેલા ભાવના કારણે હવે વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે ત્યારે સીએનજીની કિંમતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગત મહિને ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં અઢી રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો.

અદાણી ગેસ દ્વારા ઓક્ટોબર માસમાં સતત ત્રીજી વાર સીએનજી અને પીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. અદાણી દ્વારા ગઇકાલે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂા.1.69 અને પીએનજીના ભાવમાં 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગુજરાત ગેસ પણ હવે સીએનજીના ભાવમાં 3 થી 4 રૂપિયાનો વધારો કરવાની વેતરણમાં છે. દિવાળી પહેલા આ ભાવ વધારાનો ડામ આપી દેવામાં આવશે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો થયો નથી. જેના કારણે વાહન ચાલકોને થોડી રાહત અનુભવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.