Abtak Media Google News

ભાવનગરમાં આજ રોજ ખોડ ખાપણ વાળા બાળકો માટે કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિ રહ્યા હતા. જે બાળકોના ઓપરેશન થવાના છે તેવાં બાળકોને સ્નેહપૂર્વક તેડીને તેમના પ્રત્યે પોતાનું વ્હાલ પણ વરસાવ્યું હતું. આ રીતે પોતે બાળકોને કેટલો પ્રેમ કરે છે તેની પ્રતીતિ કરાવી હતી. મંત્રીનો આવો સ્નેહ જોઈને બાળકોના વાલીઓ પણ ગદગદિત થઈ ગયાં હતાં.

આજે સવારે આ બંને ઓપરેશનની શરૂઆત કરતી વખતે સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મંત્રી તરીકે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ખાસ આ માટે ગાંધીનગરથી સર ટી. હોસ્પિટલ ખાતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને તેમના વાલીઓને ભરોસો અને હિંમત આપવા માટે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રીએ આ અવસરે જણાવ્યું કે, આ પ્રકારના ઓપરેશન માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકતાં હતાં. આ ઓપરેશન કરાવવા માટે બાળક સાથે તેની માતા અને તેમના વાલીઓએ પણ સમગ્ર ઓપરેશનની દસેક દિવસની પ્રક્રિયા દરમિયાન ત્યાં હાજર રહેવું પડતું હતું.

પરંતુ ભાવનગર ખાતે જ આ સુવિધા ઊભી કરવામાં આવતાં આ બધી તકલીફોમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં જ આ પ્રકારના ઓપરેશનની સુવિધા ઊભી થાય તે માટે એકાદ છેલ્લા એકાદ વર્ષથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને તેને પરિણામે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશનના તમામ સાધનો અને સુવિધાઓ ઊભી થઈ જતાં આજે વિધિવત રીતે કોક્લીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જન્મથી બહેરા-મૂંગા બાળકને સાંભળતો કરવા માટે ગમે તેટલો ખર્ચ થાય તો પણ રાજ્ય સરકાર કરવા તૈયાર છે. આ પ્રકારના એક ઓપરેશન કરવા માટે રૂ. ૧૨ લાખ આસપાસનો ખર્ચ થાય છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં આવા એક હજાર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતનું બાળક સક્ષમ બને, કોઈપણ પ્રકારની શારીરિક અક્ષમતાથી ખામીગ્રસ્ત ન રહી જાય તેનામાં કોઈ પણ જાતની ખામી ન રહી જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વિભાવરીબેન એ જણાવ્યું કે,સાંભળવાની ક્ષમતા ન ધરાવતા આ પ્રકારના બાળકોને ઓપરેશનના થતાં ખર્ચ ઉપરાંત લગભગ એક વર્ષ સુધી સ્પીચ થેરાપી આપવાની પણ જરૂર પડતી હોય છે. આવી સ્પીચ થેરાપી જો ખાનગી હોસ્પિટલ કે ખાનગી જગ્યાએ લેવામાં આવે તો એક સીટીંગના રૂ.૩,૦૦૦ આસપાસનો ખર્ચ થતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન, કોકલીયર ઇમ્પ્લાન્ટ માટેના મશીન અને સ્પીચ થેરાપી આ તમામ પ્રકારની સુવિધા નિ:શૂલ્ક પૂરી પાડવામાં આવે છે.

ભાવનગરમાં આ ઓપરેશનની શરૂઆત પ્રથમ વખત થઈ રહી છે. તેથી આ વિભાગના એચ.ઓ.ડી. શ્રી ડો.સુશિલ ઝા ને મદદ કરવા માટે તથા તેમને જરૂરી તાલીમ અને સહાય માટે ગાંધીનગરથી આવેલાં કોકલીયર ઇમ્પ્લાન્ટના નિષ્ણાત ડો. નીરજ સૂરી પણ તેમની મદદમાં રહેશે અને ત્યારબાદ અહીં પોતાની રીતે જ ઓપરેશનનો શક્ય બનશે.

D8A1Ccb3 F06C 4E05 A599 0576Ac135A30

તેમણે જણાવ્યું કે, ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન શક્ય બને તે માટે છેલ્લાં એક વર્ષથી પ્રયત્નશીલ હતી.રાજ્ય સરકારની પણ આ બાબતે જરૂરી મદદ મળી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો પણ તેમણે આભાર માન્યો હતો.

ભાવનગરમાં જ આ પ્રકારના ઓપરેશન શક્ય બનતાં ભાવનગરવાસીઓને હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવામાંથી મુક્તિ મળશે અને ઘર આંગણે જ વિશિષ્ટ પ્રકારની એવી આ સારવાર મળતી થશે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે,આજે બે ઓપરેશન થયાં છે…આગામી દિવસોમાં વધુ ઓપરેશનો કરી ભાવનગરવાસીઓને આ પ્રકારની સારવાર માટે અમદાવાદ ન જવું પડે તે માટેનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.તેમની આ મુલાકાત વખતે સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રહ્મભટ્ટ, વિભાગના ડોક્ટરો, નર્સ તથા વાલી ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.